ગુજરાતમાં વૈશ્ર્વિક કંપનીઓ વિશેષ રોકાણ નીતિથી આકર્ષાઇ: વીજીજીએસ ૨૦૨૪ સીમાચિહ્ન બનશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતની ક્ષેત્ર-વિશિષ્ટ નીતિઓએ વ્યાપાર રોકાણો આકર્ષવાના તેના પ્રયત્નોને મદદ કરી છે, જેમાં ભારતના જીડીપીમાં રાજ્યનો ફાળો લગભગ ૮ ટકા, ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૮ ટકા અને નિકાસમાં ૩૦ ટકા છે જે તેની વૃદ્ધિ પર નીતિઓની અસરના પુરાવા છે એમ અધિકારીઓએ જણાવ્યું હતું. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (વીજીજીએસ) જેવી પહેલો દ્વારા વ્યાપારી રોકાણોને આકર્ષિત કરવાના રાજ્યના પ્રયાસોને વધુ વેગ મળ્યો છે. વીજીજીએસની ૧૦મી આવૃત્તિ ૧૦ થી ૧૨ જાન્યુઆરી, ૨૦૨૪ દરમિયાન ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં યોજાશે. રાજ્યની સેમિક્ધડક્ટર પોલિસી, જે ગયા વર્ષે જુલાઈમાં સેક્ટરમાં નવા રોકાણોને આકર્ષવા પ્રોત્સાહનો અને કામગીરી શરૂ કરવા સબસિડી ઓફર કરીને જાહેર કરવામાં આવી હતી, તેણે અમેરિકા સ્થિત ચિપ નિર્માતા માઈક્રોન ટેક્નોલોજીની જેમ મોટા રોકાણોનો માર્ગ મોકળો કર્યો છે. માઈક્રોને જાહેરાત કરી હતી કે તે ગુજરાતમાં સેમિક્ધડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ પ્લાન્ટ સ્થાપશે જેમાં કુલ ૨.૭૫ બિલિયન અમેરિકન ડોલરનું (લગભગ રૂ. ૨૨,૫૪૦ કરોડ) રોકાણ થશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોને લીધે, ભારતે હવે સેમિક્ધડક્ટર ઉત્પાદનની દિશામાં એક મોટું પગલું ભર્યું છે એમ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ વર્ષની શરૂઆતમાં ગાંધીનગરમાં યોજાયેલા સેમિકોન ઇન્ડિયા કાર્યક્રમમાં જણાવ્યું હતું. માઈક્રોન ટેક્નોલોજીના સીઈઓ સંજય મેહરોત્રાએ સેમિકોન ઈન્ડિયા ઈવેન્ટમાં જણાવ્યું હતું કે તેમની કંપનીને ગુજરાતમાં હોવાનો ગર્વ છે.
મારુતિ સુઝુકીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, કોર્પોરેટ અફેર્સ, રાહુલ ભારતીએ પણ જણાવ્યું હતું કે તેઓને રોકાણ માટે ગુજરાતમાં શા માટે રસ પડે છે. રોકાણકારો વૈશ્ર્વિક સ્તરે સ્પર્ધાત્મક બનવાનું શોધે છે, તેથી જો કોઈ સ્થળ તમને સ્થાનિક અને નિકાસ બજારોમાં તમારા ઉત્પાદનને સ્પર્ધાત્મક બનાવવામાં મદદ કરે છે તો જે રાજ્ય મદદ કરી શકે તે શ્રેષ્ઠ છે. ગુજરાતના ઐતિહાસિક કાપડ ઉદ્યોગને પણ આ ક્ષેત્ર માટે રાજ્યની નીતિથી ફાયદો થયો છે. મસ્કતી ક્લોથ માર્કેટ એસોસિયેશનના પ્રમુખ ગૌરાંગ ભગતે જણાવ્યું હતું કે ટેક્સટાઇલ પોલિસીના પરિણામે આ ક્ષેત્રમાં મોટા પાયે રોકાણ થયું છે.