સુરતના ડાયમન્ડ બુર્સમાં ઝગમગાટઃ 1000 જેટલી ઓફિસો ચાલુ
સુરત: ડાયમન્ડ સિટિ કહેવાતા સુરતમાં ડાયમન્ડ બુર્સ શરૂ થયા બાદ ઓફિસો ધમધમવા લાગી છે. મળતી માહિતી અનુસાર દશેરા પહેલાથી જ સાડા નવસો આસપાસ ઓફિસોમાં કુંભ મૂકાયા છે. સુરતના ખજોદ વિસ્તારમાં આવેલા ખૂબ જ વિશાળ અને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ બુર્સમાં દશેરાના મૂહુર્તને સાચવી કુંભ મૂકાયા હતા અને હવે લાભ પાંચમ બાદ આજથી કામકાજ શરૂ થવા જઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી અનુસાર મુંબઈની 26 જેટલી મોટી હીરા ફર્મએ સુરતમાં કામકાજ શરૂ કર્યુ છે અને મુંબઈમાં તેમની ઓફિસો ધીમે ધીમે બંધ થઈ રહી છે.
આજે લગભગ 130 કરતા વધારે વેપારીઓએ પોતાના કામના શ્રીગણેશ કર્યાની માહિતી મળી છે. આમાં 26 મુંબઈના વેપારીઓ છે, જેઓ મુંબઈમાંનો વેપાર સમેટીને સુરત ડાયમંડ બુર્સથી પોતાનું કામકાજ શરૂ કરશે. ડાયમન્ડ ઓફિસો સાથે બેંક સહિતની સુવિધાઓ પણ અહીં છે. હીરા સહિત અન્ય વેપાર-ધંધા સાથે સંકળાયેલાઓ પણ સુરત ડાયમંડ બુર્સ શરૂ થાય તેની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. જોકે હજુ અહીંયા વિધિવત ઉદ્ઘાટન થયું નથી. મળતી માહિતી અનુસાર 17મી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન કરવામાં આવશે. આ બુર્સ વૈશ્વિક તરીકે આગવી ઓળખ ઊભું કરી ચૂક્યું છે અને હજારો કરોડોનો વેપાર હવે અહીંથી થશે આથી નોકરી-ધંધાની તકો પણ એટલી જ રહેશે, તેમ માનવામાં આવે છે. ઉદ્ધાટન થયા બાદ સત્તાવાર રીતે બુર્સ ખુલ્લુ મૂકાશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.