‘હાર્ટ એટેકથી મોત માટે આર્થિક સહાય આપો, સાહેબ’… સીએમ ભૂપેન્દ્ર પટેલને એક સરપંચની રજૂઆત
રાજકોટ: ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામના સરપંચે રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ એટેકના બનાવ અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે રજૂઆત કરી છે કે આજકાલ હાર્ટ એટેકથી મોતની ઘટનાઓ વધી રહી છે, અને કેટલાક કિસ્સાઓમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા પરિવારમાં મુખ્ય ગુજરાન ચલાવતા વ્યક્તિનું અકાળે અવસાન થાય તો તેના પરિવારજનો ભારે મુશ્કેલીમાં મુકાય છે, ત્યારે આવા સંજોગોમાં સરકાર આવા પરિવારોને આર્થિક સહાય ચૂકવે તેવી માગ સરપંચે કરી છે.
હાલના સમયમાં અનેક યુવાન વયના લોકો હાર્ટ એટેકથી મોતને ભેટી રહ્યા છે અને આકસ્મિક મોતને પગલે અનેક પરિવાર નોંધારા થઇ જાય છે. આમ પરિવાર પર ઓચિંતું આર્થિક સંકટ આવી પડતા તેમને જરૂરી સહાય મળે તો દુ:ખની ઘડીમાં તેઓ હાલત સુધારી શકે છે. આથી પરિવારોને આર્થિક સહાય આપવાની દિશામાં સરકારે વિચારવું જોઇએ તેવું સરપંચનું કહેવું છે.
ગુજરાતમાં હૃદયરોગના હુમલાથી મોતના કિસ્સા સતત વધી રહ્યા છે, એક અહેવાલ મુજબ ફક્ત રાજકોટમાં હૃદયરોગથી મોતની 60થી વધુ ઘટનાઓ એક મહિનાની અંદર નોંધાઇ છે.