આપણું ગુજરાતસ્પેશિયલ ફિચર્સ

ગિરનારની પરિક્રમા પાર્ટ-2ઃ ગિરિરાજનું મહત્ત્વ, સ્થળો

ગીરનાર ની પરિક્રમા

ગિરનારએ અગ્નિકૃત પર્વત છે.

જેના ઉપર સિધ્ધચોરાસી સંતોનાં બેસણા છે. સંતો-શુરાઓ અને સતીઓની આ પાવનકારી ભુમિ છે, કે જેના કણ કણમાં આદિ કવિ નરસિંહ મહેતા,સાહિત્યકારો, કવિઓ અને જગવિખ્યાત ગિરના સાવજની જગપ્રસિધ્ધીની મહેક પ્રસરી રહી છે. આવી આ ધરતી માથે ઘણા વર્ષોથી યોજાતી પરિક્રમા દર વર્ષે યોજાય છે. જેને લોકભાષામાં પરકમ્મા અને લીલી પરકમ્મા પણ કહેવાય છે. ગરવા ગિરનારની ફરતે યોજાતી આ ૩૬ કી.મી. ની ચાર દિવસ પરિક્રમામાં જુદા જુદા સ્થળોએથી ભકતો આવે છે.

આ પરિક્રમા કારતક સુદ અગીયારસે ચાલુ થાય છે અને પૂનમને દિવસે એટલે કે દેવ દિવાળીનાં દિવસે પુર્ણ થાય છે. આ પરિક્રમા કેટલા સમયથી શરૂ થઈ તેનો પાકો સમય મળતો નથી પરંતુ અગાઉના સમયમાં ફકત સાધુ-સંતોજ કોઈ પણ જાતનાં સરસામાન લીધા વિના કરતા હતા અને તે દરમિયાન ભજન ભકિત થતી હતી. ત્યાર બાદ સમય બદલાતા, આ પરીક્રમા સંસારી માણસો પણ કરવા લાગ્યા જેમાં ભોજન પ્રસાદ થવા લાગ્યો અને સામાજીક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. ગિરનારની આ પરિક્રમા સ્વયંભુ છે.

આ પરિક્રમાનું મહત્વ ખાસતો એટલા માટે વધી જાય છે, કારણકે આવા ધાર્મિક સ્થળે એક સાથે અલગ અલગ પ્રાંત, રીતરીવાજ અને પહેરવેશનાં લોકોની સંસ્ક્રુતિને જાણવાનો મોકો મળે છે. શહેરની તમામ સુખ સુવિધાથી દુર પ્રક્રુતિનાં ખોળે અને જંગલના ઘટાટોપ વનરાઈની વચ્ચે ખળખળ વહેતા ઝરણાઓની સંગાથે સુમધુર કરતા પક્ષીઓનાં કલરવ સાથે પ્રક્રુતિની ગોદમાં જીવનનાં ત્રિવિધ તાપથી રાહત મેળવવા તેમજ તમામ પ્રકારનાં દુ:ખ ભુલીને આવનાર સમયમાં બને તેટલું યથા શક્તિ પુણ્યનું ભાથુ બાંધવા માટે પરમ સત્યને પામવા માટે આ પગપાળા પરિક્રમા યોજાય છે.

તે દરમિયાન કેડીઓ, ધુળીયા રસ્તાઓ, ડુંગરો, નાના મોટા ઝરણાઓ, સોળેકળાએ ખીલેલી વનરાઈ અને કુદરતી સૌંદર્ય જે કાશ્મીરની વાદીઓને યાદ કરાવે છે. જે યાત્રિકોને મંત્રમુગ્ધ કરે છે અને આશરે ૩૬ કી.મી.નો પગપાળા રસ્તો કયારે પુર્ણ થઈ જાય છે અને થાક પણ કયાં ગાયબ થઈ જાય છે તે ખબર પડતી નથી.

જૂનાગઢ શહેરથી ૫ કી.મી. દુર ગરવા ગિરનારની ગોદમાં કારતક સુદ અગીયારસે સવારથી જ ભવનાથ તળેટીમાં યાત્રિકો ભેગા થઈ જાય છે. તેજ દિવસે મધરાતે રૂપાયતનથી સંતો-મહંતો, જિલ્લા વહીવટી અધિકારીઓ અને અનેક અગ્રણીઓ સાથે અસંખ્ય ભક્તોની હાજરીમાં દિપ પ્રગટાવીને બંધુકનાં ભડાકા સાથે પરિક્રમાનો પ્રારંભ થાય છે.

બીજા દિવસે આ કામણગારી ધરાને ખુંદતા પ્રક્રુતિને નિહાળતા અને આનંદ પ્રમોદ કરતા પગપાળા પંથ કાપતા જાય છે. દિવસ દરમિયાનનો થાક પ્રથમ દિવસે થોડો ઓછો લાગે છે. અને બપોરનાં ભોજન માટે બધા યાત્રિકો પોતપોતાની રીતે જમવાનુ બનાવીને તૂપ્ત થાય છે. આમ બીજા દિવસે રાત્રિ રોકાણ જીણાબાવાની મઢીએ થાય છે. યાત્રિકો માટે આ પ્રથમ વિસામો છે. અહીં શરૂઆતમાં વડલીવાલા માતાજીની જગ્યા આવેલી છે. તે પછી જીણાબાવાની મઢી આવે છે. અહીં નવાબી કાળમાં જીણાબાવા નામનાં સંત ધુણી ધખાવીને રહેતા હતાં.

જેના નામ ઉપરથી આ સ્થળનું નામ પડયુ છે. પહેલા તો અહીં એક ઝુંપડી જ હતી. આજે તો અહીં ભગવાન શિવનું મંદિર અને જીણાબાવાનો ધુણો પણ આવેલો છે. આડે દિવસે કોઈ પણ માણસ જોવા ન મળે ત્યાં લાખો માણસો સાથે રાત્રિ રોકાણ કરે છે. આ દરમિયાન ઘણીબધી સામાજીક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર ચાલે છે. આમ તેરસનાં દિવસે ભગવાન સુર્યનારાયણનાં પ્રથમ કિરણો ધરતી ઉપર પડતાની સાથે જ બધા ચાલવાનું શરૂ કરે છે.

ત્રીજા દિવસે સવારથી જ નવી તાજગી સાથે યાત્રિકો જય ગિરનારી, જય ભોલેનાથ, હર હર મહાદેવ, જય ગુરૂદત જેવા નારા લગાવતા લગાવતા આગળ વધે છે. બપોરનો સમય થતા યાત્રિકો સાથે લાવેલો નાસ્તો કરે છે અથવા તો રસોઈ બનાવે છે. અને સાંજ પડતા જ જંગલનાં ગીચ ઝાડી હોવા છતાં ગમે ત્યાં જગ્યા મેળવીને પડાવ નાખે છે. આમ ત્રીજા દિવસનું રાત્રિ રોકાણ માળવેલા થાય છે. આ સ્થળ ગિરનારનાં જંગલનાં મધ્યમાં આવેલુ અતિ રમણીય છે.

અહીં ખૂબજ ઉચી વેલો થાય છે. જયાં દિવસનાં સુર્યના કિરણો પણ પહોંચી શકતા નથી અને તેથીજ તેનુ નામ માળવેલા પડયું છે. જયાં પણ રાત્રે ભજનીકો દ્વારા ભજન અને રાસમંડળીની જમાવટ થાય છે. આમ યાત્રિકો પોતાનો થાક ભક્તિમય અને કુદરતી સૌંદર્યથી ભરપુર જગ્યાએ ઉતારે છે. આમ ચૌદશની સવારે બધા ત્યાંથી ચાલવાનું શરૂ કરે છે.

ચોથા દિવસે સવારે યાત્રિકોની વણજાર માળવેલાથી નીકળીને ગિરનારની પુર્વમાં થઈને દક્ષિણ તરફ વળે છે. અને ધીરે ધીરે ચાલતા વિસામો લેતા આગળ વધે છે. આ દિવસે યાત્રા અંતિમ ચરણ હોવાથી શારિરીક રીતે અશક્ત વૂધ્ધ યાત્રિકો વિસામો લેતા લેતા ધીમે ધીમે આગળ વધતા હોય છે. અને સાંજનાં સમયે આવે છે બોરદેવી. આમ પરિક્રમાનું ચોથા દિવસનું અને છેલ્લા દિવસનું રાત્રિ રોકાણ આવે છે. રળીયામણા અને મનોહર એવા આ બોરદેવી માતાજીની જગ્યામાં જયાં ગાઢ જંગલ છે ત્યાં બોરદેવી માતાજીનું શિખરબંધ મંદિર આવેલુ છે.

આ મંદિરના મહંત શ્રી રામનારાયણદાસ ગુરૂ શ્રી જનાર્દનદાસજીનાં જણાવ્યા મુજબ સ્કંદપુરાણમાં આ જગ્યાનો ઉલ્લેખ જોવા મળે છે. તે મુજબ શ્રી ક્રુષ્ણનાં બહેન સુભદ્રાના અને અર્જુનના લગ્ન અહીં થયેલ છે. જગદંબા માં અંબિકા માતાજી અહીં બોરડીમાંથી પ્રગટ થયેલ છે તેથી આ સ્થળનું નામ બોરદેવી પડેલ છે તેવી લોકવાયકા છે. જેની એક તરફ પાણી અને બીજી તરફ ગઢ ગિરનારની લીલી વનરાઈઓ જીવનનો તમામ થાક ઉતારી નાખે છે. આમ બોરદેવ માતાજીનાં દર્શન કરીને રાત્રિની મીઠી નિંદર માણી બધા સવારનાં યાત્રાનો પંથ આગળ કાપવાનો ચાલુ કરે છે.

યાત્રાનાં છેલ્લા અને પાંચમા દિવસે એટલેકે કારતક સુદ પૂનમે દેવ દિવાળીએ બધા યાત્રિકો ભવનાથ તરફ વળે છે. આમ આ યાત્રાનાં ઘણા ખરા યાત્રિકો ગિરનાર ચડે છે. અને ત્યાં બિરાજમાન બધા દેવસ્થાનોનાં દર્શન કરે છે. તે સિવાયનાં યાત્રિકો ભવનાથ મહાદેવનાં દર્શન કરીને ત્યાંથી દામોદર કુંડમાં સ્નાન કરીને આ યાત્રા પુર્ણ કરે છે. આમ આ કારતક સુદ અગીયારસથી શરૂ થતી યાત્રા દેવ દિવાળીએ શારિરીક ક્ષમતાની કસોટીરૂપ પરિક્રમા પુરી થાય છે…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button