ગિરનાર પરિક્રમા દરમિયાન સ્વચ્છતા બાબતે વિશેષ ધ્યાન આપશે તંત્ર
આગામી તા.૨૩ નવેમ્બર થી તા .૨૭ નવેમ્બર સુધી યોજાનારી પરંપરાગત ગિરનારની લીલી પરિક્રમા ની તમામ તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર એ પૂર્ણ કરી છે.
જુનાગઢ કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને ગિરનારની પરિક્રમા ની તૈયારી અંગેની બીજી બેઠક મળી હતી જેમાં કલેકટર સહિતના જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને સાધુ સંતો તેમજ અન્ન ક્ષેત્રોના પ્રતિનિધિઓ એ યાત્રાળુ માટે જરૂરી વ્યવસ્થાઓ સુવિધા અંગે સંવાદ કરી પરિક્રમા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય અને યાત્રાળુઓને અગવડતા ન પડે તે માટે આખરી આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં કલેક્ટરએ જણાવ્યું હતું કે ગિરનારની લીલી પરિક્રમામાં યાત્રાળુઓની કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે સંબંધિત વિભાગોએ આયોજન કર્યું છે અને તેઓએ પોતે પણ ગિરનારની પરિક્રમા ના રૂટનું અધિકારીઓ સાથે નિરીક્ષણ કર્યું છે.
જુનાગઢ મહાનગરપાલિકાના મેયર ગીતાબેન પરમારે મહાનગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અને ગિરનારની પરિક્રમામાં ખાસ કરીને ભવનાથ વિસ્તારમાં સ્વચ્છતા રહે , પીવાના પાણીની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કરાયેલા યોજનાની વિગતો આપી હતી.
ગિરનારની લીલી પરિક્રમામાં જંગલ સ્વચ્છ રહે ,રૂટ ઉપર ક્યાંય કચરો ન થાય તેમજ અન્ય ક્ષેત્રો દ્વારા ગંદકી કરવામાં ન આવે અને તે માટેની વ્યવસ્થામાં તંત્રને સહયોગ આપવામાં આવે તે માટે કલેક્ટરએ અનુરોધ કર્યો હતો અને સ્વચ્છતા ની તમામ કામગીરી પર દેખરેખ રાખવામાં આવશે તેમ પણ કલેકટરે જણાવ્યું હતું. અન્ન ક્ષેત્રો સહિતના સંસ્થાઓએ પરિક્રમામાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જન જાગૃતિ અને સંસ્થાઓ દ્વારા પણ પૂરતા પગલાં લેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.
ગિરનારની પરિક્રમા કરતા યાત્રાળુઓને હાર્ટ એટેક આવે કે બીમાર પડે તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે વ્યવસ્થાઓ કરાશે. આ ઉપરાંત કર્મચારી અધિકારીઓને સીપીઆરની ટ્રેનીંગ પણ અપાશે. પોલીસ વિભાગ દ્વારા જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવશે આ ઉપરાંત એસડીઆર એફ ની બે ટીમો પણ મંગાવવામાં આવી છે તેમ કલેક્ટરએ જણાવ્યું હતું. વન વિભાગ દ્વારા પણ પૂરતો બંદોબસ્ત અને માર્ગો મરામત અને અન્ય સુવિધાઓ ની પણ તૈયારી કરવામાં આવી છે. બસ સ્ટેશન થી ભવનાથ સુધી એસટી વિભાગ દ્વારા 50 મીની બસ મૂકવામાં આવશે આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં 150 થી વધુ એકસ્ટ્રા બસ મુકવાનું પણ આયોજન છે.
આ બેઠકમાં યાત્રાળુઓ બહુ વહેલી પરિક્રમા શરૂ ન કરી દે અને પરિક્રમા ના રુટ પર જ પરિક્રમા કરે તે માટે અપીલ કરવામાં આવી હતી.