ગીરનાર પરિક્રમા બાદ સફાઈ અભિયાન: 50 ટન કચરો એકઠો કરાયો, 40% માવાના રેપર
રાજકોટ: જૂનાગઢમાં દર વર્ષે દેવ દિવાળીના દિવસે આયોજિત થતી ગિરનાર પર્વતની પવિત્ર પરિક્રમામાં લાખો શ્રધાળુઓ આવતા હોય છે. આ વર્ષે 24 થી 28 નવેમ્બર સુધી પરિક્રમા યોજાઈ હતી. આ વર્ષે પરિક્રમા પૂર્ણ થઇ ગઈ છે, પરિક્રમાના રૂટ પર ઠેર ઠેર કચરો પથરાયેલો જોવા મળ્યો હતો. હવે સ્થાનિક તંત્ર અને સામાજિક સંસ્થાઓ દ્વારા પરિક્રમા રૂટની આજુબાજુ સાફસફાઈ હાથ ધરવામાં આવી છે.
સાફસફાઈ દરમિયાન 4 ડિસેમ્બર સુધી ગીર વન્યજીવ અભયારણ્યની અંદરના જંગલ વિસ્તારમાંથી લગભગ 50 ટન કચરો એકઠો કરવામાં આવ્યો હતો. જેમાં મોટાભાગે પ્લાસ્ટિકનો સમાવેશ થાય છે, વધુ ચોંકાવનારી બાબત એ છે કે આ પ્લાસ્ટિકના કચરામાંથી 40% માવાના પેકિંગ માટે વપરાતા રેપરનો સમાવેશ થાય છે.
વન વિભાગના ટીમ અને બિન-સરકારી સંસ્થાઓના સ્વયંસેવકો 28 નવેમ્બરથી જંગલમાં સાફસફાઈ કરી રહ્યા છે અને તેમને 36 કિમીના રૂટની આસપાસ પાણીની બોટલો અને નાસ્તાના રેપર સાથે માવાના રેપર, ચૂનાના પાઉચ અને ગુટખાના પાઉચ મળી આવ્યા છે.
જૂનાગઢના વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, એકત્ર કરાયેલા કુલ કચરામાંથી, લગભગ 40% માવાના રેપર અને ગુટખાના પાઉચ છે. પરિક્રમા દરમિયાન અમને તમાકુની વસ્તુઓનું વેચાણ કરતા સાતથી આઠ શખ્સો મળી આવ્યા હતા. તેઓને બહાર કાઢી દેવમાં આવ્યા હતા અને દંડ કરવામાં આવ્યો હતો.
ડમ્પ કરવામાં આવેલા કચરાના પ્રમાણને જોતા, સંપૂર્ણ સફાઈ કરવામાં ઓછામાં ઓછા એક અઠવાડિયાનો સમય લાગશે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે પરિક્રમા કરનાર લોકો સંખ્યા લગભગ 1.5 લાખ વધુ હતી, આ વર્ષે કુલ 13.5 લાખ શ્રદ્ધાળુઓએ પરિક્રમા કરી હતી. સંસ્થાઓએ કામચલાઉ રસોઈ સુવિધાઓ ઊભી કરી હતી, અને તેમાંથી પણ મોટા પ્રમાણમાં કચરો પેદા થતો હતો.