Girnar Lili Parikrama : ગિરનારની લીલી પરિક્રમાનો આવતીકાલથી પ્રારંભ, શ્રધ્ધાળુઓ ઉમટશે

જૂનાગઢઃ આવતીકાલ 12મી નવેમ્બર કારતક સુદ અગિયારસથી ગિરનારની લીલી પરિક્રમામાં(Girnar Lili Parikrama)શરૂ થઈ રહી છે. આ વર્ષે ગિરનારને ફરતે પરિક્રમા 15મી નવેમ્બર સુધી યોજવામાં આવશે, જેમાં લાખો યાત્રાળુઓ આવતા હોય અને તેઓ આ પરિક્રમા પગપાળા ચાલીને કરતા હોય છે. આ યાત્રાળુઓનું આરોગ્ય ન જોખમાય તે માટે પરિક્રમાના રસ્તે સરકારી આરોગ્ય કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગયા વર્ષે એક બાળકી પર દીપડાએ કરેલા હુમલાની ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે આ વખતે વનતંત્રએ એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે.
એસટી અને રેલવે તંત્ર દ્વારા સ્પેશિયલ સુવિધા
આવતીકાલ 12મી નવેમ્બરથી 15મી નવેમ્બર સુધી યોજનારી લીલી પરિક્રમામાં ગુજરાત સહિત દેશભરમાંથી લાખો યાત્રિકો ઉમટતા હોવાથી એસ.ટી.એ વધારાના સેંકડો રૂટો દોડાવવાનો નિર્ણય લીધો છે અને રેલવે તંત્ર પણ સ્પેશિયલ ટ્રેનો મુકવામાં આવી છે. બીજી તરફ જૂનાગઢમાં લીલી પરિક્રમા દરમિયાન ગયા વર્ષે એક બાળકી પર દીપડાએ કરેલા હુમલાની ઘટનાના પગલે આ વખતે વનતંત્રએ એક્શન પ્લાન બનાવ્યો છે.
પરિક્રમાના રૂટ પર 350થી વધુ વન કર્મચારીઓ ખડેપગે
ગિરનારમાં વસતા 56 સિંહ અને 50 થી વધુ દીપડાને પરિક્રમાના રૂટથી સતત ચાર દિવસ સુધી દૂર રાખવાનું કામ કરવા માટે છ એસીએફ, 24 આરએફઓ, 76 ફોરેસ્ટર સહિત 350થી વધુ વન કર્મચારીઓની ફાળવણી કરવામાં આવી છે. આના માટે ભાવનગર, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ અને દેવભૂમિ દ્વારકાના કર્મચારીઓને જોડવામાં આવ્યા છે.
સ્પેશિયલ ટ્રેકરની ટુકડી 24 કલાક કાર્યરત રહેશે
ગિરનારની લીલી પરિક્રમાના 36 કિલોમીટરના સમગ્ર રૂટ પર 20 રાવટી અને 20 પાંજરા મુકાયા છે. ટ્રાન્કવિલાઈઝર ગન અને વેટરનરી ડોક્ટર્સની ટીમ તેમજ સાસણથી સ્પેશિયલ ટ્રેકરની ટુકડી પણ 24 કલાક કાર્યરત રાખવાનો નિર્ણય વન તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. ચાર સ્થળ સિવાય રાત્રિરોકાણ પર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. જેમાં ભવનાથ, જીણાબાવાની મઢી, માળવેલા બોરદેવીનો સમાવેશ થાય છે.
Also Read – Gujarat ના હવામાનમાં થયો બદલાવ, વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ
ગિરનાર પરિક્રમા માટે આ રૂટ નિયત કરાયો
ગિરનાર લીલી પરિક્રમા ભવનાથથી પ્રારંભ થાય છે. રૂપાયતનથી ઈંટવા, ચાર ચોક થઈ જીણાબાવાની મઢી, જાંબુડી થાણાથી ચાર ચોક, જીણાબાવાની મઢીથી માળવેલા સુધીની કેડી, ઝીણા બાવાની મઢીથી સરકડીયા હનુમાન સુધીની કેડી, માલીડાથી પાટવડ કોઠાથી સુરજકુંડ, સરકડીયાથી સુખનાળા, સુખનાળાથી માળવેલા સુધીની કેડી, માળવેલાથી નળપાણીની ઘોડીની કેડી, નળપાણી જગ્યાથી બોરદેવી ત્રણ રસ્તા, ત્રણ રસ્તાથી બોરદેવી અને ત્યાંથી ભવનાથ સુધીમાં આ 36 કિ.મી.ની પરિક્રમા પૂર્ણ થાય છે.