ગીરનાર લીલી પરિક્રમાઃ આ કારણોસર અહીં ઊભા કરાશે 25 મેડિકલ કેમ્પ
જુનાગઢમાં આ વર્ષે 23મી નવેમ્બરથી 27મી નવેમ્બર સુધી લીલી પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે ગિરનારની લીલી પરિક્રમા માટે જિલ્લાના વહીવટી અને પોલીસતંત્ર દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. હાર્ટએટેકની ઘટનાઓને પગલે 25 જેટલા મેડિકલ કેમ્પમાં એમડી ડોક્ટર તૈનાત કરાવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગિરનારની લીલી પરિક્રમા માટે જિલ્લાના વહીવટી અને પોલીસતંત્ર દ્વારા આ વર્ષે 15 લાખથી વધારે લોકો લીલી પરિક્રમામાં જોડાય તેવો અંદાજ લગાવામાં આવ્યો છે. ત્યારે પરીક્રમા દરમિયાન 200થી વધુ અન્નક્ષેત્રો, 150 સેવા સંસ્થાઓ, 25 થી વધુ મેડિકલ કેમ્પ અને આ વખતે ખાસ હાર્ટ એટેકની ઘટનાના પગલે ડોકટર પણ તૈનાત રખાશે. પીવાના પાણીના 15 પોઇન્ટ, લાઈટ અને લોકો ની સુરક્ષા ને લઇ 500 થી વધુ પોલીસ કર્મી યાત્રા રૂટ પર તૈનાત રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગિરનારની પરિક્રમા શરૂ કરતાં યાત્રિકો 40 કિમી ની યાત્રા દરમિયાન મુખ્ય ચાર પડાવ ચાર દિવસમાં પાર કરે છે. સૌ પ્રથમ કારતક મહિનની અગિયારસે રાતે બાર વાગ્યે પરિક્રમા રૂટ પરથી પૂજા પ્રાર્થના કરી પરિક્રમા શરૂ થાય છે અને આખી રાત ચાલ્યા બાદ પ્રથમ પડાવ જીણાબાવાની મઢી પહોંચે છે. ત્યાં ભોજન-ભજન અને ભક્તિ સાથે રાતવાસો કરી બીજા દિવસે ઇટવાની ઘોડી અને મેળવેલાંની કપરી ઘોડીનું ચઢાણ કરી માળવેલાની જગ્યામા પહોંચે છે જે એકદમ ગાઢ જંગલોમાં આવેલા છે. ત્યાં બીજા પડાવનો રાતવાસો કરે છે. ત્રીજા દિવસે ત્યાંથી આગળ ચાલતાં ચાલતાં સુરજકુંડ, સુખનાળા થઈ બોરદેવી પહોંચે છે ત્યાં કુદરતી જંગલનો માહોલ અને વન્યજીવોના ખતરા સાથે રાતવાસો કરે છે. આખરે ચોથા દિવસે બોરદેવીથી આગળ ચાલતા ભવનાથ પહોંચે છે અને દામોદરકુંડમાં સ્નાન કરી યાત્રા પૂર્ણ કરે છે.