અનાથાશ્રમમાં રહેતી બાળકીએ પિતાના અત્યાચાર વિશે જણાવ્યું ત્યારે સૌ ચોંકી ગયા
સામાન્ય રીતે અનાથશ્રમમાં રહેતા બાળકોની સ્થિતિ દયનીય હોવાનું આપણે માનીએ છીએ. સ્વાભાવિક રીતે માતા-પિતા ગુમાવી ચૂકેલા બાળકો માતા-બાપનો પ્રેમ અને હૂંફથી વંચિત જ રહી જાય. વળી સરકારી અનાથાશ્રમમાં તેમની દેખભાળ યોગ્ય રીતે થતી હોય છે કે નહીં તે અંગે સૌને શંકા હોય છે, પણ ગુજરાતના ખેડામાં અનાથાશ્રમમાં રહેતી બાળકીએ પિતાની હૈવાનિયતની વાત જે કહી તે જાણી પોલીસ સહિત સૌ કોઈ ચોંકી ગયા છે.
ખેડાના એક ગામમાં રહેતી 13 વર્ષીય સગીરા પર તેના જ મૂકબધિર પિતા અને અન્ય 7 લોકોએ હવસનો શિકાર બનાવી હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર જાગી છે. પિતા સિવાયના અન્ય સાત આરોપીઓમાં મોટાભાગના સગીરવયના હોવાનું સામે આવ્યું છે. પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. સગીરાનું છેલ્લા પાંચ વર્ષથી શારીરિક શોષણ થતું હોવાનો ઘટસ્ફોટ થતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.
ખેડા જિલ્લાના એક ગામમાં મૂકબધિર પિતા, તેની પત્ની અને દીકરી રહેતા હતા. પાંચ વર્ષ પૂર્વે પત્નીનું અવસાન થયા બાદ દીકરી અને તેના મૂકબધિર પિતા સાથે રહેતા હતા. હવે આ દીકરી છેલ્લા દોઢ વર્ષથી જિલ્લાના એક અનાથ આશ્રમમાં રહે છે. આશ્રમમાં 13 વર્ષીય દીકરીના કાઉન્સિલિંગ દરમિયાન ચોંકાવનારી માહિતી સામે આવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા અને આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. 13 વર્ષીય દીકરીને તેના મૂકબધિર પિતાએ અવારનવાર હવસનો શિકાર બનાવી હોવાની વિગતો સામે આવી છે. દીકરી જ્યારે પણ આશ્રમમાંથી પોતાના ઘરે જતી ત્યારે મૂકબધિર બાપ તેના પર દુષ્કર્મ આચરતો હોવાનું બહાર આવ્યું હતું.
આ મામલે જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમ પણ સગીરાને વહારે આવી હતી. આ મામલે હવસખોર મૂકબધિર પિતા સહિત સાત લોકો સામે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.