આપણું ગુજરાત

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે વડા પ્રધાનના હસ્તે ₹૧૯૬ કરોડનાં વિકાસકામોની ભેટ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સરદાર પટેલ જયંતી નિમિત્તે વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમાની પાદપૂજા કરીને સમગ્ર દેશવાસીઓ તરફથી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને એકતાનગર ખાતે વડા પ્રધાનના હસ્તે રૂ. ૧૯૬ કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું.
વડા પ્રધાનશ્રીના હસ્તે વિવિધ વિકાસકામો અને પ્રવાસન આકર્ષણોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જેમાં ગ્રીન ઇનિશિયેટિવ હેઠળ પાંચ પ્રોજેક્ટ્સ,ત્રણ પ્રવાસન આકર્ષણો અને ત્રણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું છે.

પ્રકૃતિના સંરક્ષણ માટે ગ્રીન ઇનિશિયેટિવ હેઠળ પાંચ પ્રોજેક્ટ્સનું આયોજન કર્યું છે. જેમાં ૩૦ ઇ-બસો, પબ્લિક બાઈક શેરિંગ, ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા સિટી ગેસનું વિતરણ અને એકતાનગરમાં આવતા પ્રવાસીઓના સરળ ટ્રાન્સપોર્ટેશન માટે ગોલ્ફ કાર્ટ્સ જેવી સુવિધાઓનું લોકાર્પણ તેમજ ચાર મેગાવોટ સ્થાપિત ક્ષમતા સાથેના સોલાર પેનલ્સનું ખાતમુહૂર્ત કરાયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં પ્રવાસીઓના હરવા ફરવા માટે ડીઝલથી ચાલતી બસોના સ્થાને હવે ઇલેક્ટ્રિક બસો ચલાવવામાં આવશે. આ ઉપરાંત ગ્રીન અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી સસ્ટેનેબલ સોલ્યુશન્સના ભાગરૂપે તેમ જ ૧.૪ મેગાવોટની સોલાર પાવર ઉત્પાદનની હાલની ક્ષમતામાં વધારો કરવા માટે ત્રણેય પાર્કિંગ ઉપર સોલાર પેનલ્સ ઈન્સ્ટોલ કરવાની યોજના છે, જે ચાર મેગાવોટ સોલાર પાવર જનરેટ કરશે. આમ, પ્રકૃતિના સંરક્ષણ સાથે એકતાનગરનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.

એકતાનગરની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે લગભગ રૂપિયા ૧૦૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર વિઝિટર્સ સેન્ટરનું ખાતમુહૂર્ત કરાયું છે. આ વિઝિટર્સ સેન્ટર એક રિસેપ્શન સેન્ટર તરીકે કાર્ય કરશે. જ્યારે રૂપિયા ૭.૫ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા કમલમ પાર્કનું પણ લોકાર્પણ કરાયું છે જેમાં એકતાનગર ખાતે નર્મદા નદીના ડાબા કિનારે ડ્રેગન ફ્રૂટ, કે જે ભારતમાં ‘કમલમ’ તરીકે જાણીતું છે, તેની નર્સરી બનાવવામાં આવી છે. વારાણસીની ભવ્ય મહાગંગા આરતીમાંથી પ્રેરણા લઈને, એકતાનગર ખાતે એકતા નર્સરીની બાજુમાં ખાસ બાંધવામાં આવેલા ઘાટ પર નર્મદાના કિનારે નર્મદા આરતી કરવામાં આવે છે. આ સુંદર પરંપરાનું હવે વિસ્તરણ કરીને ઓથોરિટી નવી યુટ્યુબ ચેનલ દ્વારા દરરોજ નર્મદા આરતીનું લાઈવ સ્ટ્રીમિંગ કરાશે.
એકતાનગર ખાતે પ્રવાસીઓની સુવિધા માટે રૂપિયા ૭.૫ કરોડના ખર્ચે બે ફ્રિસ્કિંગ બૂથ સાથે ૧૫૦ મીટરના વોક-વેનું નિર્માણ કરવામાં આવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button