આપણું ગુજરાત

શહેરી વિકાસ: ગુજરાતના 6 નવા મહાનગરો સાથે 13 શહેરોને ₹1700.57 કરોડની ભેટ!

અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા ઉજવાઈ રહેલા શહેરી વિકાસ વર્ષ 2025ના સંદર્ભમાં મુખ્ય પ્રધાને 6 નવરચિત મહાનગર પાલિકાઓ, 5 નગર પાલિકાઓ અને અમદાવાદ તથા ગાંધીનગર મહાનગર પાલિકાઓમાં વિવિધ વિકાસ કામો માટે એક સાથે એક જ દિવસમાં 1700.57 કરોડ રૂપિયા થી વધુના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. રાજ્ય સરકારે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 1700.57 કરોડ થી વધુ રૂપિયાના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

અમદાવાદ મનપાને 546 કરોડ ફાળવ્યા
રાજ્ય સરકારે વિકાસ કામો માટે મંજૂર કરેલી આ રાશિમાંથી અમદાવાદ મહાનગર પાલિકાને 546 કરોડ, ગાંધીનગરને 32 કરોડ તેમજ નવરચિત મહાનગર પાલિકાઓમાં આણંદ 148 કરોડ, મોરબી 270.08 કરોડ, સુરેન્દ્રનગર 257.60 કરોડ, નડિયાદ 71.91 કરોડ તથા વાપી 251.91 કરોડ અને નવસારીને 90.35 કરોડ રૂપિયા મળશે.આ ઉપરાંત વડનગર નગર પાલિકાને 16.37 કરોડ, હિંમતનગરને 7.33 કરોડ, સિદ્ધપુરને 3.74 કરોડ, હળવદને 4.02 કરોડ અને ભરૂચ નગર પાલિકાને 85.52 લાખ રૂપિયા વિકાસ કામો માટે મળશે.

6 નવરચિત મહાનગર પાલિકાઓ માટે 676.28 કરોડ રૂપિયા
રાજ્ય સરકારે સ્ટ્રીટલાઇટ, સોલાર સુવિધા, સિટી બ્યુટીફિકેશન, ડેવલપમેન્ટ ઓફ પબ્લિક ગાર્ડન, ડ્રેનેજ, ટ્રાફિક સર્કલ, રેન વોટર હાર્વેસ્ટિંગ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન, સિટી સિવિક સેન્ટર, ફાયર ઉપકરણો વગેરે મળીને આંતરમાળખાકીય સુવિધાના 247 જેટલા કામો 6 નવરચિત મહાનગર પાલિકાઓમાં હાથ ધરવા માટે 676.28 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત રોડ નવીનીકરણ, રીસરફેસિંગ, વ્હાઇટ ટોપિંગ તથા 60 ફુટથી મોટા માર્ગોના રિપેરિંગ માટે તેમણે આણંદ, સુરેન્દ્રનગર, વાપી અને મોરબીની નવરચિત મહાનગર પાલિકાઓ તેમજ અમદાવાદ અને ગાંધીનગર મહાનગર પાલિકા માટે કુલ 652.78 કરોડ રૂપિયાના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

આ પણ વાંચો -‏‏‎ PM મોદીનો મોટો નિર્ણય, વિશ્વની સૌથી જૂની અરવલ્લીની ગિરિમાળાઓ હવે બનશે ગ્રીન વોલ

તે ઉપરાંત ફિલ્ટર પ્લાન્ટ રિપેરિંગ, રોડ-રસ્તા, ગટર અને સ્ટોર્મ ડ્રેન તથા પાણીની સુવિધા જેવા મૂળભૂત માળખાકીય સુવિધાના કામો માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે કુલ 191.91 કરોડ રુપિયાના કામો સુરેન્દ્રનગર, વાપી અને આણંદ મહાનગર પાલિકાઓ માટે મંજૂર કર્યા છે. આણંદ અને સુરેન્દ્રનગર મહાનગર પાલિકાઓને આઇકોનિક રોડના નિર્માણ માટે 31 કરોડ રૂપિયા તથા ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના હેઠળ ભરૂચ નગર પાલિકા વિસ્તારની સોસાયટીઓમાં કોમન પ્લોટ પેવર બ્લોકના કામો માટે 85.52 લાખ રૂપિયાના કામોને મંજૂરી આપવામાં આવી છે.

પાણી પુરવઠાનાં કામો માટે હિંમતનગર અને સિદ્ધપુર નગર પાલિકા તથા મોરબી મહાનગર પાલિકાને કુલ 67.35 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, આઉટગ્રોથ વિસ્તારોમાં પીવાના પાણીની લાઇન, ભૂગર્ભ ગટર, ડામર રોડ, સીસી રોડ, ફાયર સ્ટેશન નિર્માણ જેવા કામો માટે પણ મોરબી અને વાપી મહાનગર પાલિકા તથા હળવદ નગર પાલિકાને કુલ મળીને 64.02 કરોડ રૂપિયાના કામોની મંજૂરી આપવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button