Gift City: લીકર પીવા અને વેચવાવાળા માટે સરકારે જાહેર કરી નિયમાવલી
ગાંધીનગરઃ ગાંધીનગર ખાતે આવેલા ગિફ્ટસિટીમાં લીકરની પરમિશન બાદ પીવાના શોખિનો ગેલમાં આવી ગયા છે ત્યારે સરકારે નિયમાવલીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેમાં ઘણી મર્યાદાઓ રાખવામાં આવી છે.
સરકારે આપેલી નવી માર્ગદર્શિકા અનુસાર ગિફ્ટ સિટીના મુલાકાતીઓનેમાત્ર એક દિવસ માટે પરમિટ મળશે. આ સાથે નવા નિયમો અહીં લીકર વેચતી હોટેલ્સ, પબ્સ વગેરે માટે પણ બનાવવામાં આવ્યા છે. ગિફ્ટ સિટિમાં લિકર એક્સેસ માટે જે પરમિટ આપવામાં આવશે તે બે વર્ષ માટે માન્ય રહેશે. જ્યારે ગિફ્ટ સિટીના મુલાકાતીઓને સિંગલ -ડે માટે પરમિટ આપવામાં આવશે. પરમિટ મેળવવાનીવાર્ષિક ફી રૂ. 1000 રહેશે. જો પરમિટધારક વ્યક્તિ ગિફ્ટ સિટીમાં કામ કરતી કંપનીનો કર્મચારી નહી રહે તો તેની પરમિટ આપોઆપ રદ થશે.
જ્યારે અહીં એકાદ કામ માટે આવતી મુલાકાતીઓને માત્ર એક દિવસ પૂરતી જ પરમિટ મળશે. ગિફ્ટ સિટીમાં આવેલી હોટેલ, રેસ્ટોરન્ટ અને ક્લબ્સ વાઈન એન્ડ ડાઈન સુવિધા આપવા માગતી હોય તો તેમણે ગાંધીનગરમાં પ્રોહિબિશન એન્ડ એક્સાઈઝના સુપ્રિન્ટેન્ડન્ટ પાસેથી જરૂરી લાયસન્સ મેળવવાનું રહેશે.
આ લાયસન્સ પાંચ વર્ષ માટે વેલિડ હશે અને તેની વાર્ષિક ફી એક લાખ રૂપિયા હશે. અરજી બાદ જરૂરી ચકાસણી પછી લાયસન્સ મળશે.
ગુજરાત પ્રોહિબિશન એક્ટ, 1949ના સેક્શન 54 અને 56 હેઠળ કોઈ નિયમોનો ભંગ થશે તો લાયસન્સ રદ પણ થઈ શકે છે. આ સાથે ગિફ્ટ સિટીમાં સીલ કરેલી બોટલનો સ્ટોક સીસીટીવી કેમેરા હેઠળ રાખવાનો રહેશે અને ત્રણ મહિના સુધી રેકોર્ડ જાળવવો પડશે. એટલું જ નહીં પણ લીકર વેચનારે રોજ મધરાતે 12 વાગ્યે લેટેસ્ટ સ્ટોકનો હિસાબ આપવાનો રહેશે. આ સાથે વેચાયેલા સ્ટોકનો રેકોર્ડ પણ રાખવાનો રહેશે અને આવશે. લાઈસન્સ ધારકને કોઈ પણ સંજોગોમાં વાઈન એન્ડ ડાઈન એરિયાથી બહાર બોટલ અથવા ટિન લઈ જવાની મંજૂરી નહીં મળે જેવા ઘણા નિયમો લાદવામા આવ્યા છે.