સરકારનો જુવાળ ઉતર્યો : ગિફ્ટ સિટીના વિસ્તરણથી હાથ ખંખેર્યા – હવે GUDAને હસ્તક થશે વિકાસ

ગાંધીનગર: સરકારે જેને ‘સપનાના શહેર’ ની ઉપમા આપી દીધી હતી છે તેવી ગિફ્ટ સિટીના વિસ્તરણથી હવે ગુજરાત સરકારે હાથ ખંખેરી લીધા છે. 2024ના બજેટમાં સરકારે મસમોટી જાહેરાતો કરી હતી, પરંતુ હવે સરકારની જુવાળ ઉતરી જતાં તેમણે વિસ્તરણની યોજના પડતી મૂકી છે. હવે ગિફ્ટ સિટીની 996 હેકટર જમીનને ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ વિકાસ કરશે.
એક અહેવાલ મુજબ ગુજરાત સરકારે બે મોટા પરિપત્રો જાહેર કરીને 369 હેકર વિસ્તારમાં વિકસિત થયેલી ગિફ્ટ સિટીના વિસ્તરણ માટે આજુબાજુના પાંચ ગામોના 996 હેક્ટર વિસ્તારના વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા હતા. જો કે આ સમયે સરકારની સામે ઘણા પ્રશ્નો ઉદભવ્યા હતા. એક તો વિસ્તરણ માટે જે જમીન પસંદ કરવામાં આવી હતી તે ખાનગી હોવાથી તેના સંપાદન તેમજ કપાતનો પ્રશ્ન ઉદભવ્યો હતો. તો વળી અન્ય કારણ એ પણ કહેવામાં આવી રહ્યું છે કે મોટા રસ્તા અને જંકશનોના આયોજનો માટે તેનો વિકાસ ગિફ્ટ સિટી હેઠળ ખાસ શહેર તરીકે વિકાસ કરવો એ યોગ્ય નથી લાગ્યું.
આ પણ વાંચો: GIFT City: ગિફ્ટ સિટીમાં દોડશે Formula-1 કાર્સ, સર્કીટ તૈયાર કરવા સર્વેક્ષણ શરુ
સરકારે નવેમ્બર 2022 અને નવેમ્બર 2023 માં આ વિસ્તરણ માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યા હતા. આ બંને પરિપત્રો બાદ 2024 મા પણ નાણાં મંત્રીએ બજેટમાં પણ ગિફ્ટ સિટીના વિસ્તરણની મોટી મોટી જાહેરાતો કરી હતી પણ હવે સરકારે પોતાના જ બંને પરિપત્રો પરત ખેંચીને સાત મહિનામાં જ પોતે યુ ટર્ન લીધો છે. આથી હવે આ 996 હેક્ટરનો વિસ્તાર ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ (GUDA) હેઠળ વિકસાવામાં આવશે એટલે કે આ વિસ્તાર હવે સામાન્ય શહેરની જેમ જ વિકસશે.