GIDC plot allotment: Congressના આક્ષેપોને નકાર્યા રાજ્ય સરકારે
ગાંધીનગરઃ કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શિક્તિસિંહ ગોહિલે ગઈકાલે ભાજપ સરકાર અને જીઆઈડીસી પર આક્ષેપો કર્યા હતા કે દહેજ અને સાયખામાં કેમિકલ ઝોન માટે પ્લોટની ફાળવણીમાં અબજોનો ભ્રષ્ટાચાર થયો છે અને ભાજપ તેમ જ જીઆઈડીસીના અધિકારીઓ જનતાની તિજોરીના પૈસા ચાઉં કરી રહ્યું છે. આ મામલે આજે સોમવારે રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન ઋષીકેશ પટેલે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે કૉંગ્રેસે કરેલા તમામ આક્ષેપો ખોટા છે.
પ્લોટની ફાળવણીમાં કોઈપણ જાતની ગેરરીતિ થઈ નથી. પહેલા તેને સેચ્યુરેટેડ ઝોન જાહેર કર્યો હતો, પરંતુ ત્યારબાદ વેપારીઓની માગણીને ધ્યાનમાં લઈ જણાયું કે અમારી ભૂલ થઈ છે આથી અમે ભૂલ સુધારી ફરી તે ઝોનને અનસેચ્યુરેટેડ ઝોન જાહેર કરી દીધું છે.
શક્તિસિંહે આ કથિત ભ્રષ્ટાચારની તપાસ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના સિટિંગ જજ દ્વારા કરવાની માગણી કરી હતી ત્યારે પટેલે જણાવ્યું હતું કે આવી મનઘડત વાતો માટે કમિટિ બનાવવાની જરૂર નથી. દરેક કામ પારદર્શિતાથી થયું છે. તેમણે એમ પણ જણાવ્યું કે કૉંગ્રેસ ઈચ્છે તો કોર્ટની દાદ માગી શકે. જો આ કેસમાં ગેરરીતિ પુરવાર થશે તો હું તેમને અભિનંદન આપીશ.
રાજ્ય સરકારે વધુમાં જણાવ્યું હતું કે જીઆઇડીસી દ્વારા કોઈ પણ ઔદ્યોગિક વસાહતમાં ૯૦% કે તેથી વધુ પ્લોટોની ફાળવણી ધ્યાને લઇ સંપૂર્ણ વસાહતને સેચ્યુરેટેડ વસાહત જાહેર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ ૧૬૧ વસાહતો સેચ્યુરેટેડ જાહેર કરવામાં આવેલ છે. સમગ્ર વસાહતના (ના કે વસાહતના કોઈ અમુક ઝોનના) ઉપલબ્ધ પ્લોટ આધારે જ સમગ્ર વસાહતને એક યુનિટ તરીકે ગણીને જ સેચ્યુરેટેડ વસાહત તરીકે નિયત કરવામાં આવે છે.
દહેજ અને સાયખા ઔદ્યોગિક વસાહતોમાં કેમિકલ તેમ જ એન્જિનિયરિંગ ઝોન આવેલા છે. સદર ઔદ્યોગિક વસાહતોના કેમિકલ ઝોનમાં ૯૦ ટકા જેટલા પ્લોટો વેચાયા હોવાથી, જી.આઈ.ડી.સી. દ્વારા નિયામક મંડળની ૫૧૮મી સભામાં ફક્ત આ કેમિકલ ઝોનને સેચ્યુરેટેડ ઝોન જાહેર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
પરંતુ ત્યારબાદ વિવિધ ઔદ્યોગિક સંગઠનો, ઉદ્યોગકારો તરફથી રજૂઆતો મળી કે સમગ્ર વસાહતના ૯૦ ટકા પ્લોટ વેચાયા હોય તો જ તેને સેચ્યુરેટેડ જાહેર કરી શકાય છે. જી.આઈ.ડી.સી.એ પણ આ સંદર્ભમાં તેની પ્રણાલીને આધીન રહીને ૫૧૯મી બોર્ડ બેઠકમાં સાયખા અને દહેજના સમગ્ર ઔદ્યોગિક વસાહતના ૯૦ ટકા સુધીના પ્લોટોની ફાળવણી થયેલ ન હોય, સમગ્ર સાયખા અને દહેજ ઔદ્યોગિક વસાહતને અનસેચ્યુરેટેડ જાહેર કરી. ત્યારબાદ આજ સુધી સાયખામાં કોઈ ઉદ્યોગોને જમીનની ફાળવણી કરવામાં આવી નથી. અને તેથી સાયખામાં જમીન ફાળવીને સરકારને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન કરવાનો જે આક્ષેપ થયો છે તે તદ્દન પાયાવિહોણો અને કાલ્પનિક છે.
સાયખા ખાતે એપ્રિલ ૨૦૨૩થી આજ સુધી કોઈ પ્લોટ ફાળવણી કરવામાં આવેલ નથી, તેથી સરકારને નાણાંકીય નુકસાન પહોચાડ્યું હોવાની રાજ્યસભાના સાંસદ અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કરેલી વાત તદ્દન ખોટી અને ઉપજાવી કાઢેલી તથા માત્ર ને માત્ર પ્રસિદ્ધિ મેળવવા માટેનાં હવાતિયાં સમાન છે, તેવી ટીકા તેમણે કરી હતી.
Also Read –