આપણું ગુજરાત

રાજ્યમાં 21 GIDC પ્રારંભ કરવાની પ્રક્રિયાને આખરી ઓપ

અમદાવાદ: ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસને વધુ ધમધમતો કરવા માટે ઉદ્યોગ વિભાગ દ્વારા આગામી સમયમાં બનાસકાંઠામાં વધુ 4 સહિત રાજયમાં નવી 21 GIDCનો પ્રારંભ કરવામાં આવશે. ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતના જણાવ્યા અનુસાર નવી GIDCની સ્થાપનામાં રાજ્યના સમતોલ વિકાસને પ્રાધાન્ય મળી રહે તે અનુસાર સ્થળ પસંદ કરવામાં આવ્યા છે, સાથે નવા વિસ્તારોમાં GIDC શરૂ થવાના કારણે સ્થાનિક ઉદ્યોગોને નજીકમાં જ અદ્યતન સુવિધા સાથેની વસાહત મળશે તેના કારણે સ્થાનિક રોજગારીમાં પણ વધારો થશે.

નવી જંત્રીના દર લાગુ પડે તે પૂર્વે…..
ઉદ્યોગ વિભાગ દ્વારા લાંબા સમયથી નવી ઔદ્યોગિક વસાહતો શરૂ કરવાની પ્રક્રિયા ચાલતી હતી તેને આખરી ઓપ આપી દેવાયો છે. નવી જંત્રીના દર લાગુ પડે તે પૂર્વે 21 પૈકી જે GIDC માં જમીન સંપાદન કરવાની બાકી છે તેમાં ઝડપથી સરકારી પડતર જમીન ઉદ્યોગ વિભાગ દ્વારા ચલણ ભરીને જંત્રીના ભાવે ખરીદવામાં આવશે. તે પછી તેમાં રોડ-રસ્તા, વીજળી, ડ્રેનેજની સુવિધા અને પ્લોટિંગ સાથે માળખું તૈયાર કરીને જે તે ઉદ્યોગકારોને પ્લગ એન્ડ પ્લે તરીકે ઓફર કરાશે.

વિસ્તાર પ્રમાણે લાગુ પડશે જંત્રીના દર
ઉદ્યોગકારોને આ પ્લોટ વિકસિત વિસ્તાર હોય તો જંત્રીના ભાવના 50%, મધ્યમ વિકસિત હોય તો જંત્રીના ભાવના 25% અને અલ્પવિકસિત હોય તો જંત્રીના દર પ્રમાણે જ ઓફર કરવાની પ્રક્રિયા અંગે ટૂંક સમયમાં આખરી નિર્ણય લેવાશે. ઉદ્યોગ વિભાગ દ્વારા નવી વસાહતો જાહેર કરાઇ છે તેના સર્વે નંબર પ્રમાણે સ્થળ નક્કી કરાયું છે પરંતુ તે તાલુકા અને જિલ્લામાંથી મહત્તમ કનેક્ટિવિટી ધરાવતું હોય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Accident: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કારનું ટાયર ફાટતાં ટ્રક સાથે અથડાઈ, એક જ પરિવારના 3નાં મોત

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલ કુલ 239 જેટલી GIDC છે, જેમાં 70 હજાર કરતા વધુ રોકાણકારો છે. લાંબા સમયથી નવી ઔદ્યોગિક વસાહતો શરૂ કરવાની માગણી પણ સ્થાનિક ઉદ્યોગકારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કરાઇ રહી હતી.

કયા જિલ્લામાં શરૂ કરવામાં આવશે GIDC
રાજ્યમાં 21 નવી GIDC શરૂ કરવાની કામગીરી ફાઇનલ કરી દેવાઇ છે. જેમાં રાજકોટના વીંછિયા, બનાસકાંઠામાં અલીગઢ, યાવરપુર, દૂધવા અને લવાણા તેમજ મહેસાણામાં મલેકપુર, નાની ભલુ અને જોટાણ, પાટણમાં પૂનાસણ અને માનપુરા, ગાંધીનગરમાં કડજોદરા, અમરેલીમાં સામપાદર, જૂનાગઢમાં ગળોદર અને માળીયા હાટીના, ભરૂચમાં ભીમપુરા, ગીર સોમનાથમાં નવા બંદર, છોટાઉદેપુરમાં લઢોદ, ખેડામાં જેસપુરા-મીઠાપુરા અને મહુધા, આણંદમાં કહાનવાડી અને મહીસાગરમાં બાલાસિનોરનો સમાવેશ થાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button