ગુજરાતમાં જીકાસ પોર્ટલ પર એલએલબી માટે ગ્રાન્ટેડ કૉલેજો માત્ર ત્રણ જ, વિદ્યાર્થીઓ પરેશાન
અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા જીકાસ પોર્ટલ પર શરૂ કરવામાં આવેલી એલએલબીની પ્રવેશ પ્રક્રિયામાં રજિસ્ટ્રેશનો કાલે છેલ્લો દિવસ હતો. પોર્ટલ પર કુલ 38 કોલેજો છે, જેમાં ગ્રાન્ટેડ કોલેજોની સંખ્યા ત્રણ જ છે. બાકીની 35 ખાનગી કોલેજોનો સમાવેશ થાય છે. ત્યારે એલએલબી કરવા માગતા વિદ્યાર્થીઓ પરેશાન થઈ ગયા છે.
સોમવારે પ્રવેશ માટેના રજિસ્ટ્રેશન અને ચોઈસ ફિલીંગનો છેલ્લો દિવસ હતો. હવે વિદ્યાર્થીઓને 12મી સુધીમાં કોલેજ અને સિટનું એલોટમેન્ટ કરવામાં આવશે. જ્યારે વિદ્યાર્થીઓએ 13થી 17 સપ્ટેમ્બર દરમિયાન પ્રથમ રાઉન્ડમાં મળેલા પ્રવેશ માટે ફી ભરી રિપોર્ટિંગ કરવાનું રહેશે. આ વર્ષે સરકારી કોલેજો ઉમેરાઈ ન હોવાથી વિદ્યાર્થીઓને સરકારી કોલેજમાં પ્રવેશ મળશે કે કેમ તે એક પ્રશ્ન છે. જ્યારે ગ્રાન્ટેડ કોલેજો પણ ત્રણ જ હોવાથી એલએલબી કરવા માંગતા વિદ્યાર્થીઓને ઊંચી ફી ભરવી પડશે.
ગુજરાત યુનિવર્સિટીની 15 કોલેજોનો સમાવેશ
સરકાર દ્વારા જીકાસ પોર્ટલ પર શરૂ કરવામાં આવેલી એલએલબીની પ્રવેશ પ્રક્રિયામાં પોર્ટલ પર કોલેજોની યાદી જોતા 38 કોલેજો જ છે, જેમાં ગ્રાન્ટેડ કોલેજોની સંખ્યા ત્રણ જ છે. જ્યારે બાકીની 35 ખાનગી કોલેજોનો સમાવેશ થાય છે. જેમાં ગુજરાત યુનિવર્સિટીની એક ગ્રાન્ટેડ અને 14 ખાનગી કોલેજો મળી કુલ 15 કોલેજોનો સમાવેશ થાય છે. ઉપરાંત સરકારી કોલેજો પણ યાદીમાં ઉમેરાઈ ન હોવાનું જાણવ્યુ છે. મળતી માહિતી અનુસાર સરકારે પણ માત્ર એક જ વર્ષ માટે સ્ટાફની મંજૂરી આપવાની બાંહેધરી આપી છે. જેથી ગુજરાત યુનિવર્સિટીમાં 47માંથી છ ગ્રાન્ટેડ કોલેજ હાલ એલએલબી પ્રવેશ પ્રક્રિયામાં ઉમેરાઈ નથી. આ ઉપરાંત અન્ય યુનિવર્સિટીઓની પણ ગ્રાન્ટેડ કોલેજો ઉમેરાઈ નથી.