આપણું ગુજરાત

ઘોઘા દહેજ રો રો ફેરી સર્વિસનું જહાજ મધદરિયે કાદવમાં ફસાયું

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: હજીરાથી ઘોઘા વચ્ચેની રો-રો ફેરીમાં ગુરૂવારે મોડી સાજે ઘોઘાથી હજીરા આવતું જહાજ ઘોઘા પાસે કાદવમાં ફસાયું હતું. પાંચેક કલાક જેટલો લાંબો સમય ફસાયેલા આ જહાજને કારણે તેમાં સવાર પાંચસો જેટલા મુસાફરો અકળાયા હતાં. જોકે, મોડી સાંજે નવેક વાગ્યા આસપાસ ભરતીના પાણી આવતાં ઘોઘાથી જહાજ હજીરા તરફ આવવા માટે રવાના કરી શકાયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુરુવારે સાંજે આ રો-રો ફેરી સર્વિસ ઘોઘાથી હજીરા માટે સાંજે ૫:૩૦ ઉપડી હતી અને તે ઘોઘા નજીક જ દરિયમાં કાદવમાં ફસાઇ ગઈ હતી. જહાજમાં મુસાફરી કરી રહેલા પેસેન્જર્સ ચાર કલાકથી વધુ સમય ફસાયા હતાં. ફેરીને બહાર કાઢવા માટે દરિયામાં ભરતી આવે ત્યાં સુધી વાટ જોવી પડે તેના સિવાય બીજો વિકલ્પ ન હતો. જોકે, કાદવમાં ફસાયેલા જહાજની આસપાસ વ્યવસ્થાના ભાગરૂપે બે ટગ બોટને ફરતી રાખી હતી. ઘોઘા જેટી પાસે જ ફેરી વળાંક લેતા સમયે પોતાની નિયત ચેનલથી દૂર થઇ કાદવમાં ફસાઈ ગઈ હતી. ૭:૪૦ વાગ્યે ભરતીનું પાણી ભરાવાનું શરૂ થયું હતું અને રાત્રે નવ વાગ્યા સુધીમાં ફેરી હજીરા તરફ રવાના થાય તેવું કહેવાતું હતું. જોકે, સાડા નવ વાગ્યા આસપાસ આ જહાજને હજીરા તરફ રવાના કરાયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button