
(અમારા પ્રતિનિધિ તરફથી)
જસદણ: રાજકોટ જિલ્લાના ઘેલા સોમનાથ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન દર્શનાર્થે આવતા મહત્વપૂર્ણ મહાનુભાવોના ભોજન સંચાલન માટે જસદણના પ્રાંત અધિકારી દ્વારા શાળાના આચાર્યો અને શિક્ષકોને સોંપવામાં આવેલી ફરજના પરિપત્રથી ભારે ઉહાપોહ મચી ગયો હતો. આ મુદ્દે ચર્ચા શરુ થતા શિક્ષણ રાજ્ય પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ તાત્કાલિક ધોરણે આ પરિપત્ર રદ કરવાના આદેશ આપ્યો હતો.
આ મામલે પોતાનો પ્રતિભાવ આપતા શિક્ષણ રાજ્ય પ્રધાને જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કરતા શિક્ષકોને શિક્ષણકાર્ય ઉપરાંત લોકમેળામાં મહાનુભાવોના ભોજન સંચાલનની જવાબદારી સોંપવી બિલકુલ અયોગ્ય છે. વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે પરિપત્ર કરીને આવી કોઈપણ જવાબદારીઓ શિક્ષકોને સોંપવી એ ઉચિત નથી.

તેમણે ઉમેર્યું હતું કે, ભારત સરકાર અથવા ગુજરાત સરકાર દ્વારા ઉચ્ચ કક્ષાએથી નિર્ધારિત કરાયેલી ચૂંટણી જેવી મહત્વપૂર્ણ ફરજ સિવાયની કોઇપણ અન્ય જવાબદારી રાજ્યના શિક્ષકોને ભવિષ્યમાં સોંપવામાં ન આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નિર્ણય લેવામાં આવશે. વિદ્યાર્થીઓના ભણતર પર અસર ન થાય તે માટે ભવિષ્યમાં શિક્ષકોને અન્ય કોઇપણ જવાબદારી સોંપવા પૂર્વે ગાંધીનગર શિક્ષણ વિભાગના અગ્ર સચિવસાથે સંકલન કરવાનું રહેશે.
આ ઘટના સંદર્ભે શિક્ષણ રાજ્ય પ્રધાને શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશકુમાર સાથે ટેલીફોનીક વાતચીત કરીને જરૂરી કાર્યવાહી કરવા તેમજ તાત્કાલિક ધોરણે આ પરિપત્ર રદ કરાવવા સૂચના આપી હતી. સાથે જ તેમણે, ભવિષ્યમાં શિક્ષકોને અન્ય જવાબદારી સોંપતા આવા કોઈ આડેધડ પરિપત્રો ન થાય તે અંગે અગ્ર સચિવનું ધ્યાન દોર્યું હતું.