કાળઝાળ ગરમી સહન કરવા થઈ જાઓ તૈયાર, આગામી 3 દિવસ હીટવેવની આગાહી

અમદાવાદ: રાજ્યના વિવિધ ભાગોમાં છેલ્લા 3 દિવસથી થઈ રહેલા છુટાછવાયા કમોસમી વરસાદથી લોકોએ કાળઝાળ ગરમીથી રાહત અનુભવી હતી. જો કે લોકોની આ ખુશી લાંબો સમય ટકવાની નથી, હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત આગામી ત્રણ દિવસ માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લામાં હીટવેવની આગાહી કરી છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યું મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂર્ણ થતા હવે ગુજરાત ઉપર ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે. તેને કારણે તાપમાનમાં વધારો થશે તથા ત્રણ દિવસ તાપમાન યથાવત્ રહીને ફરી એકવાર એક ડિગ્રી તાપમાન વધી શકે છે.
હવામાન વિભાગ અનુસાર, 17થી 19 મે દરમિયાન વલસાડમાં સેવર હીટવેવ જોવા મળી શકે છે. આ ઉપરાંત, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, કચ્છ અને સુરતમાં હીટવેવના પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી ત્રણ દિવસમાં રાજ્યમાં ગરમીના તાપમાનમાં 3 ડિગ્રી સુધી વધારો થઇ શકે છે.
હાલમાં ઉત્તર પશ્ચિમ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બની છે. આથી આજે મધ્યપ્રદેશ, ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં ગાજવીજ સાથે વીજળીના ચમકારા અને વરસાદી છાંટા વરસી શકે છે. ખાસ કરીને આગામી 24 કલાક માટે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, દાહોદમાં વરસાદી છાંટા વરસી શકે છે.
જો કે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હીટવેવની પણ શક્યતા વ્યક્ત કરી છે. એટલે કે, સૌરાષ્ટ્રવાસીઓ દિવસે હીટવેવમાં શેકાશે તો સાંજે વરસાદથી ભીંજાશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં તીવ્ર ઉષ્ણ લહેર અને સુરતમાં હીટવેવની શક્યતા છે. જ્યારે અમદાવાદમાં બે દિવસ બાદ તાપમાન 43થી 44 ડિગ્રી સુધી પહોંચી જશે.હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ બાદ રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે.
હવામાન વિભાગે આજથી આગામી ત્રણ દિવસ માટે સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હીટવેવની પણ આગાહી વ્યક્ત કરી છે. તેમાં સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર અને કચ્છમાં આગામી ત્રણ દિવસ હીટવેવની અસર રહેશે. સૌરાષ્ટ્રવાસીઓને બેવડી ઋતુનો અનુભવ થશે, જેમ કે દિવસ દરમિયાન ગરમીમાં શેકાયા બાદ સાંજે વાતાવરણમાં પલટો આવી શકે છે અને ફરી માવઠું થઈ શકે છે.