હવે ચોકલેટથી નશો! જામનગરમાં પોલીસ કાર્યવાહીમાં નશાકારક ચોકલેટનો જથ્થો ઝડપાયો
જામનગરમાં નશાના કારોબાર માટે નવા કિમીયા અપનાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી દવાઓ, સિરપના નામે નશાનું વેચાણ થતું હતું અને હવે ચોકલેટમાં નશાકારક દ્રવ્ય ભેળવી તેનો વેપલો થઇ રહ્યો હોવાની વિગતો બહાર આવી છે.
જામનગર SOG ક્રાઇમની કાર્યવાહીમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં કુલ 21 હજાર નંગ નશીલી ચોકલેટનો જથ્થો ઝડપાઇ છે જેની કિંમત 35 હજાર થાય છે. પાન મસાલાની 2 દુકાનોમાં SOGની ટીમે દરોડા પાડ્યા હતા અને ચોકલેટના આ જથ્થાને તપાસ માટે FSL પાસે મોકલવામાં આવ્યા છે.
સૌથી મહત્વની વાત એ છે કે ભાંગ અને ગાંજાની આ ચોકલેટમાં વાસ નથી આવતી એટલે નશાખોર ઝડપાતા નથી. જેના કારણે આ પ્રકારની નશીલી ગોળીઓ અને ચોકલેટ વધુને વધુ લોકપ્રિય બની રહી છે. ખાસ કરીને શ્રમિકોની જ્યાં વધુ વસ્તી હોય તેવા વિસ્તારોમાં આ ચોકલેટ વધુ વેચાઇ રહી છે. જપ્ત કરાયેલ ચોકલેટનુ ઉત્પાદન ઉત્તરપ્રદેશમાં થતુ હોવાનુ ખુલ્યુ છે. પોલીસ FSL રિપોર્ટ આવ્યા બાદ આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરશે.