બનાસની બેન 62 વર્ષ બાદ દહાડશે સંસદમાં ;કાલે રાજીનામું આપશે ગેનીબહેન
ગુજરાતમાં ભાજપ લોકસભાની 26 એ 26 બેઠકો જીતવાના અશ્વમેધ યગ્ન થકી હેટ્રીક રૂપી સોનાની થાળીમાં લોઢાની મેખ મારનાર ઉમેદવાર હોય તો બનાસની બહેન ગેની બહેન ઠાકોર. ઝૂઝારું મહિલા ધારાસભ્ય ગેની બહેન ઠાકોર હવે બનાસકાઠાની લોકસભા બેઠક જીતી સંસદમાં પહોચી ગયા છે અને ધારાસભ્ય પદેથી તેઓ ગુરુવારે રાજીનામું આપશે. ગેનીબેનનાં રાજીનામા સાથે જ વિધાનસભાનું સંખ્યા બળ ઘટીને 180નું અને કોંગ્રેસનું સંખ્યા બળ ઓછું થઈને 12 સભ્યોનું થશે. ગુરુવારે સવારે 11 વાગ્યે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને ગેનીબેન ઠાકોર રાજીનામું આપી દેશે. આ સાથે જ વાવ બેઠક પર ગેની બહેનની જગ્યા ખાલી પડતાં વધુ એક પેટા ચૂંટણી આવી પડશે. કોંગ્રેસ આ વિધાનસભા બેઠક જાળવી રાખવા ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ ફાળવે તેવી પ્રબળ શક્યતાઓ જોવાઈ રહી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓ શરુ, ભગવાન આ જગ્યાએ બનેલા વાઘા ધારણ કરી નગરચર્યાએ નીકળશે
બનાસની બહેન 62 વર્ષના વહાણા બાદ સંસદમાં
બનાસકાંઠાના લોકસભા મતક્ષેત્ર મા કોંગ્રેસનાં ઉમેદવાર ગેની બહેન ઠાકોર જિતતા જ ભાજપનું ત્રીજી વખત 26 એ 26 બેઠક ગુજરાતમાં જીતવાનું સ્વપ્ન રોળાયું. ખુદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલે કહ્યું કે, અમોને એટલો રંજ જરૂર છે કે અમે (ભાજપ) હેટ્રીક ના કરી શક્યા. હવે આ બનાસ બેઠક ગુમાવતાં હારનું વિશ્લેષ્ણ કરીશું અને ક્ષતિઓ-ત્રુટિઑ શોધી તેનું નિવારણ પણ કરીશું. બનાસકાંઠા બેઠકનો ઇતિહાસ કહે છે તેમ આ બેઠક પર 62 વર્ષ બાદ મહિલા સાંસદ ગેનીબહેન ઠાકોરના રૂપમાં મળ્યા છે.1962માં ઝોહરાબેન ચાવડા કોંગ્રેસની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયા હતા. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીની શરૂઆતથી જ ગેનીબહેન ઠાકોર પ્રચારમાં આક્રમક હતા. ખુદ પ્રિયંકા ગાંધી પણ ગેની બહેન ઠાકોર માટે બનાસકાંઠા આવી સવા ક્લાક સુધી ઉદબોધન કર્યું હતું. પહેલે દિવસથી જ આક્રમક રહેલા ગેની બહેન ઠાકોર ચૂંટણી પરિણામ માં પોતાના પ્રતિસ્પર્ધી ડો રેખા બહેન ચૌધરીને 30 હજાર 406 માટની સરસાઈથી હાર આપી હતી. ગેની બહેનને કુલ 6 લાખ 71 હજાર 883 મત મળ્યા જ્યારે ડો રેખા ચૌધરી ( ભાજપ)ને 6 લાખ 41 હજાર 447 મત મળ્યા હતા.
મિજાજ કહે છે સંસદમાં આક્રમક બનશે ગેનીબહેન
ગેનીબહેન લોકપ્રશ્નોને ધારદાર વાચા આપવા માટે બનાસ પંથકમાં જાણીતા છે. બનાસકાંઠાની પાણી સમસ્યા હોય,રોજગાર હોય કે કૃષિ આધારિત સમસ્યા સાથે સરડિય વિસ્તારના પ્રશ્નો માટે આક્રમકતા દાખવી સરકાર સરકાર સામે બાથ ભીડશે. ખાસ કરીને તેઓએ હિન્દી પર પ્રભુત્વ કેળવવું પડશે કારણકે, સંસદમાં બોલતી વખતે જો યોગ્ય શબ્દો નહીં મળે તો રજૂઆત અસરકારક નહીં રહે. આ માટે રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ ગેની બહેનને વહારે આવી, સંસદના નીતિ નિયમથી માંડીને રજૂઆત સુધીનું માર્ગ દર્શન આપશે તે ચોક્કસ છે.