ગુજરાતમાં GCAS પોર્ટલનો રકાસઃ માત્ર આટલા વિદ્યાર્થીઓએ જ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો
અમદાવાદઃ ગુજરાત કોમન એડમિશન પોર્ટલ (GCAS) મારફતે હાથ ધરાયેલી ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડમાં 20 ટકા બેઠકો પણ ભરાઈ નથી. ગુજરાત યુનિવર્સિટીમાં કુલ 51 હજાર વિદ્યાર્થીને પ્રવેશ ફાળવાયો હતો, જે પૈકી માત્ર 10 હજાર વિદ્યાર્થીએ જ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાત કોમન એડમિશન પોર્ટલ દ્વારા ઓનલાઇન રજિસ્ટ્રેશન બાદ ગુજરાત યુનિવર્સિટીને આગળની કાર્યવાહી કરવા માટે મેરિટ લિસ્ટ અપાયું હતું, જેમાં યુનિવર્સિટીના સમર્થ પોર્ટલ દ્વારા 51 હજાર વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ફળવાયા હતા. પ્રવેશ કર્ન્ફ્મ કરવા માટે 25મી જૂન સુધીની મુદત અપાઈ હતી. સૂત્રો કહે છે કે, 51 હજાર પૈકી અડધા વિદ્યાર્થીઓને જ પસંદગીની કોલેજ મળી શકી હતી. જે પૈકી અત્યાર સુધીમાં એટલે કે મુદત પુરી થઈ તે પહેલા માત્ર 10 હજાર વિદ્યાર્થીઓ જુદી જુદી કોલેજમાં પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે.
બીજી તરફ આટલી ઓછી સંખ્યામાં પ્રવેશ કન્ફર્મ થવા પાછળનું એવુ આંકલન કરવામાં આવ્યુ છે કે, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને પ્રવેશ જ મળ્યો નથી અથવા તો અન્ય યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવી લીધો હોઈ શકે. સરકારી એડમિશન પોર્ટલનો સૌથી વધુ લાભ ખાનગી યુનિવર્સિટીઓને થયો હોય તે રીતે આ યુનિવર્સિટીનાં મોટાભાગનાં અભ્યાસક્રમોમાં એડમિશન ફૂલ થઈ ગયાનું જાણવા મળે છે.
રાજકોટમાં દક્ષિણ ગુજરાતનાં અનેક વિદ્યાર્થીઓની વિગતો મળી છે. બહેનોની કોલેજ હોવા છતાં ભાઈઓનાં નામની વિગતો પણ મોકલવામાં આવી છે. જે કોલેજોમાં ટેકનિકલ કારણથી એડમિશન કન્ફર્મ નથી થયુ તે વિદ્યાર્થીને બીજા રાઉન્ડમાં એડમિશન મળશે કે કેમ ? તે અનિશ્ચિત બન્યુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગામડામાં રહેતા અનેક વિદ્યાર્થીઓ એડમિશન પોર્ટલની વિગતોથી વંચિત રહ્યા છે. સાયબર કાફેની મદદથી જે વિદ્યાર્થીઓએ એડમિશન ફોર્મ ભર્યા છે તેમાં કોલેજની પસંદગીના નામોમાં પણ ક્ષતિઓ જોવા મળી છે. કેટલાય વિદ્યાર્થીઓ પોતાનાં એડમિશન કન્ફર્મ કરવા માટે જાતિનું પ્રમાણપત્ર નિયત સમયમાં રજૂ કરી શકયા નથી. આ સ્થિતિમાં સૌથી વધુ લાભ ખાનગી યુનિવર્સિટીઓને થયો છે. તેજસ્વી છાત્રો સાદી ગ્રાન્ટેડ કોલેજમાં પ્રવેશથી વંચિત રહ્યા છે.
એડમિશન પ્રક્રિયાનું પોર્ટલ પણ ધીમું ચાલતું હોવાને લીધે અનેક મુશ્કેલીઓ ઉભી થઈ હોવાથી વિદ્યાર્થીઓ પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યા હોવાની ઘણી ફરિયાદો થઈ છે. ઉચ્ચ શિક્ષણ મામલે આ અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.