આપણું ગુજરાત

ગરવી સર્વર પાંચ દિવસ બંધ: દસ્તાવેજોની નોંધણી સહિતની કામગીરી અચાનક ઠપ…

અમદાવાદઃ ગુજરાતના સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પના આદેશ અનુસાર ગરવી સર્વર પાંચ દિવસ માટે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. શુક્રવારથી શરૂ થયેલા આ ટેકનિકલ બ્રેકના કારણે રાજ્યભરમાં દસ્તાવેજોની નોંધણી સહિતની તમામ કાર્યપ્રણાલીઓ અચાનક ઠપ થઈ ગઈ હતી. સર્વર બંધ હોવાથી તમામ દસ્તાવેજો માટે નોંધણી પ્રક્રિયા સ્થગિત રાખીને લોકોને 15મી એપ્રિલનું ટોકન આપવામાં આવ્યું હતું.

ટેકનિકલ કામગીરીના કારણે સર્વર રહેશે બંધ
ગરવી સર્વર ઉપર જ દસ્તાવેજ નોંધણી, મેપિંગ, મૂલ્યાંકન અને અન્ય વિવિધ મહત્વપૂર્ણ કામગીરી થઈ રહી છે. આ સર્વર બંધ રાખવાનો નિર્ણય ટેકનિકલ કામગીરીના બહાને લેવામાં આવ્યો છે, પરંતુ આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે નવા જંત્રી દર ઓનલાઈન અપલોડ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે, જેને પગલે સર્વરને બંધ કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરાયેલા નવા જંત્રી દરો પહેલાની સરખામણીએ ઊંચા થવાની શક્યતાઓ છે, જે અંગે વાંધા-સૂચનો પણ નોંધાવાયા છે. શહેરી વિસ્તારોમાં મેપિંગની કામગીરીમાં અસમંજસ ભરેલી ભૂલો જોવા મળી રહી છે. અનેક વિસ્તારો ગરવી સર્વરમાં દર્શાવવામાં આવતા જ નથી અથવા ખોટા ફોર્મેટમાં અપલોડ થયા છે. તો બીજી બાજુ, અનેક ગ્રામ્ય વિસ્તારોમાં હજી સુધી પૂરતો સર્વે પણ થયેલો નથી. આ તમામ વિસંગતતાઓને અવગણીને રાજ્ય સરકારે ઉતાવળથી નવા દરો લાગુ કરવા તજવીજ હાથ ધરી છે.

મળતી વિગત અનુસાર ગાંધીનગરથી સબ રજિસ્ટ્રાર કચેરીઓને ખાસ આદેશ આપીને મેપિંગ કચેરી ન છોડવા સૂચના અપાઈ હતી. આ ઉપરાંત, 10થી 14 એપ્રિલ સુધીનો સમયગાળો સર્વર બંધ રાખવા માટે નક્કી કરાયો હતો. સર્વર બંધના કારણે દસ્તાવેજ નોંધણીની કામગીરી તાત્કાલિક અસરથી અટકી જતા રોજબરોજની લાખો રૂપિયાની આવક સરકાર ગુમાવશે. એક અંદાજ મુજબ, માત્ર એક જ દિવસે રાજ્યભરમાં દસ્તાવેજ નોંધણીમાંથી કરોડો રૂપિયાનું રેવન્યુ મળે છે, જે હવે પાંચ દિવસ સુધી ખોરવાઈ શકે છે. સરકારના અધિકારીઓ દ્વારા આ પગલાને ટેકનિકલ અપડેશનનું નામ ભલે અપાયું હોય, પરંતુ આ જે રીતે ઘડાયું છે તે જોઈ ચર્ચાઓ તેજ બની છે કે સરકાર નવા જંત્રી દરો લાગુ કરવા માટે આયોજનપૂર્વક સમય લઈ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button