Top Newsઆપણું ગુજરાત

ગુજરાતમાં ભરતી પ્રક્રિયાની સમય મર્યાદા નક્કી કરવા અને ભરતી અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવા ભલામણ…

ગાંધીનગર: ગુજરાત સરકારના વહીવટી માળખા અને કાર્ય પદ્ધતિમાં જરૂરી ફેરફારો માટે બનાવાયેલા ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC) દ્વારા સરકારમાં ભરતી પ્રક્રીયા પૂરી કરવા માટેની નિશ્ચિત ટાઇમલાઇન નક્કી કરવાની અને સંયુક્ત ભરતી અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)ની ભલામણ કરાઈ છે.

મુખ્યપ્રધાનના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયાના અધ્યક્ષસ્થાને રચાયેલા ગુજરાત વહીવટી સુધારણા પંચે પોતાનો છઠ્ઠો ભલામણ અહેવાલ બુધવારે ગાંધીનગરમાં મુખ્યપ્રધાનને સોંપ્યો હતો. આ અહેવાલમાં રાજ્યમાં ભરતી પ્રક્રિયાને વધુ ઝડપી, પારદર્શી, ટેકનોલોજી યુક્ત અને યુવા કેન્દ્રિત બનાવવા માટે નવ ભલામણો કરવામાં આવી છે.

ઓછા સમયમાં ભરતી પ્રક્રિયા પૂરી થાય તે માટે પ્રયત્ન કરવા જોઈએ

GARCના છઠ્ઠા અહેવાલમાં ભરતી પ્રક્રીયા પૂરી કરવા માટેની નિશ્ચિત ટાઇમલાઇન નક્કી કરવા પર ભાર મૂકાયો છે. પંચે ભલામણ કરી છે કે, જે ભરતી પ્રક્રિયામાં ત્રણ સ્ટેજ હોય તે ૯ થી ૧૨ મહિનામાં અને બે સ્ટેજ હોય તે પ્રક્રિયા ૬ થી ૯ મહિનામાં પૂરી કરવી જોઈએ. આ સમયગાળો સમયાંતરે ઘટાડીને ભવિષ્યમાં વધું ઓછા સમયમાં ભરતી પ્રક્રિયા પૂરી થાય તે માટે પ્રયત્ન કરવા જોઈએ.

વહીવટી અને નાણાંકીય ખર્ચમાં ઘણો ઘટાડો થશે

આ ઉપરાંત સમાન શૈક્ષણિક લાયકાત ધરાવતી વિવિધ કેડરો માટે સંયુક્ત પ્રિલિમિનરી પરીક્ષા તથા વિષયવાર મેઈન્સ પરીક્ષા યોજીને ભરતી પ્રક્રિયામાં એકરૂપતા લાવવાની પણ ભલામણ કરાઈ છે. એ માટે સંયુક્ત ભરતી અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) યોજવા પર ભાર મૂકાયો છે. પંચનો મત છે કે, તેનાથી સમાન પ્રકારની કેડર માટે અલગ-અલગ પરીક્ષા પાછળ થતા વહીવટી અને નાણાંકીય ખર્ચમાં ઘણો ઘટાડો થશે અને ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થઇ શકશે.

આ ઉપરાંત દર વર્ષે બે નિશ્ચિત રિક્વિઝિશન વિન્ડો નક્કી કરીને તમામ વિભાગો ઓનલાઇન માંગણાપત્રક સબમિટ કરે એવી વ્યવસ્થા ગોઠવવા પર પણ ભાર મૂકાયો છે. તેના આધારે ભરતી નિયમો, પરીક્ષા નિયમો તેમજ ટ્રેનિંગ નિયમો માટે એક કેન્દ્રિય સેલની રચના કરવાની ભલામણ કરવામાં આવી છે. તેના કારણે ભરતીમાં એકરૂપતા આવશે અને ભરતી પ્રક્રિયા ઝડપી બનશે તેમ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

ડિજિટલ દસ્તાવેજ ચકાસણી પર પણ ભાર મૂકાયો

આ ઉપરાંત હાલ થતી મેન્યુઅલ ચકાસણીને બદલે સંપૂર્ણપણે ડિજિટલ દસ્તાવેજ ચકાસણી પર પણ ભાર મૂકાયો છે. ડિજી-લોકરની જેમ જ API-લિંક્ડ ડેટાબેઝ અને યુનિક ઉમેદવાર ડોક્યુમેન્ટ રજિસ્ટ્રીની રચનાથી ભરતી કરતી સંસ્થા અને સરકારી વિભાગો વચ્ચે ઉમેદવારોના દસ્તાવેજો સરળતાથી મોકલી શકાશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ ખૂબ અસરકારક બનશે તેમ આ અહેવાલમાં સૂચવવામાં આવ્યુ છે.

રાજ્યમાં શક્ય તેટલી પરીક્ષાઓ કમ્પ્યુટર આધારિત (Computer Based) લેવામાં આવે અને આવી પરીક્ષાની અસરકારક દેખરેખ માટે દરેક ભરતી એજન્સીમાં એક અલગ એક્ઝામ મોનિટરીંગ યુનિટ (EMU)ની સ્થાપના કરવામાં આવે તેવુ પણ સૂચવવામાં આવેલું છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button