ગુજરાતમાં હવે 12 વાગ્યા બાદ પણ ગરબા ચાલુ રાખી શકાશે
નવરાત્રિ એટલે આસ્થા અને ઉમંગનું પર્વ, માતાજીની આરાધના કરવાનું પર્વ અને આ નવરાત્રિના તહેવારના નવેનવ દિવસ ગરબાની રમઝટ બોલાવતા ખેલૈયાઓના આનંદમાં વધારો થાય તેવા સમાચાર છે.
ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ મૌખિક આદેશ આપીને જાહેરાત કરી છે કે હવે કોઇ પોલીસકર્મીએ રાત્રિના 12 વાગ્યા બાદ ગરબા બંધ કરાવવાની જરૂર નથી. આથી હવે રાજ્યભરમાં 12 વાગ્યા બાદ પણ ગરબા ચાલુ રાખી શકાશે. ગરબા આયોજકોએ આ જાહેરાતને વધાવતા આનંદ વ્યક્ત કર્યો છે. આ આદેશને કારણે હવે ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબાનો આનંદ માણી શકશે.
અગાઉ પોલીસ તંત્ર દ્વારા હાઇકોર્ટના આદેશને પગલે રાત્રે 12 વાગ્યા સુધીની ડેડલાઇનનો ઉલ્લેખ કરતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. જેનો કડક અમલ કરાવવા પોલીસકર્મીઓ નવરાત્રિમાં 12 વાગ્યા બાદ જ્યાં પણ ગરબા ચાલી રહ્યા હોય ત્યાં બંધ કરાવવાની કામગીરી કરતા હતા. પરંતુ હવે ગૃહ રાજ્યપ્રધાનની જાહેરાતને પગલે ખેલૈયાઓ 12 વાગ્યા બાદ પણ ગરબા રમી શકશે.
આ અંગે ગૃહ રાજ્યપ્રધાન વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લા પોલીસવડા સાથે ચર્ચા કરી હતી અને રાત્રે 12 વાગ્યા બાદ પણ સાઉન્ડ સિસ્ટમ વગર ગરબા થઇ રહ્યા હોય તો તે બંધ ન કરાવવા સૂચના આપી હતી.
આ ઉપરાંત પાર્ટી પ્લોટની બહાર ઉભા રહેતા લારી-ગલ્લા તથા ફૂડ કોર્ટ ધરાવતા નાના વેપારીઓને પણ હેરાન ન કરવા ગૃહ રાજ્યપ્રધાને સૂચના આપી છે. જો નવરાત્રિમાં ધંધો બરાબર થાય તો તેમની દિવાળી સુધરશે તેવું ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.