ડીસા નજીક નર્મદા કેનાલમાં ગાબડું: ૨૫ એકરનો પાક પાણીમાં ડૂબ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: બનાસકાંઠા જિલ્લાના ડીસા નજીક કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. જેમાં ૨૫ એકર જમીનમાં લોકોના પાકને ઘણું નુકસાન થયું હતું. ખેડૂતો સહિતના સ્થાનિકો સિંચાઈ વિભાગની કામગીરી પર સવાલો કરી કેનાલની કામગીરીમાં મસમોટો ભ્રષ્ટાચાર આચરાયાની આશંકાના પગલે લોકોમાં રોષનો માહોલ ફેલાયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સીપુ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે વિઠોદર નજીક આવેલી એમડી એક કેનાલમાં ગાબડું પડતા પાણી સીધું ખેતરોમાં ઉતરી આવ્યું હતું. જેના લીધે ખેડૂતોના ઊભા પાક પર પાણી ફરી વળ્યા હતા. એક માહિતી પ્રમાણે આ ઘટનાના લીધે લગભગ ૨૫ એકર જમીનમાં ઊભેલો રાયડો, એરંડા અને ઘંઉ સહિતનો પાક પ્રભાવિત થયો હતો. કેનાલમાં ગાબડું પડી જવાથી પશુઓ માટે ઊગાડવામાં આવતા ઘાસચારાનું પણ પાણીમાં પલળી જતાં નુકસાન થયું હતુ. બીજી તરફ આ મામલે ખેડૂતો સહિતના સ્થાનિકોએ સિંચાઈ વિભાગની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. આ ગાબડાંથી કેનાલની કામગીરીમાં મસમોટો ભ્રષ્ટાચાર આચરાયો હોવાની શંકા સેવાઈ હતી. જેને લીધે લોકોમાં રોષનો માહોલ ફેલાયો હતો.