ગેનીબહેન ઠાકોરની જીત,પથ્થરમાં ફૂલ ખીલવા સમાન- કોંગ્રેસની ગેનીબહેનને ગદગદિત વિદાય
ગુજરાતનાં લાખો લોકોને જનઆશીર્વાદ મેળવી ભવ્ય વિજય મેળવનાર સાંસદ ગેનીબેન ઠાકોરના રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત સન્માન સમારોહમાં ગુજરાત કોંગ્રેસનાં સંગઠન પ્રભારી અને વરિષ્ઠ સાંસદ] મુકુલ વાસનિકએ જણાવ્યું હતું કે ગેનીબેનની જીતના કારણે કોંગ્રેસ કાર્યકરોમાં ઉમ્મીદ સાથે જોશ-ઉત્સાહમાં વધારો થયો છે. બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર ચૂંટણી જીતે એનો મતલબ પથ્થર પર ફૂલ ખીલવા સમાન આ જીત છે. કોંગ્રેસ પક્ષને આશા હતી કે અમે વધારે બેઠકો જીતીશું, પરંતુ માત્ર એક જ બેઠક મળી. છતાં કોંગ્રેસ દિલ્હીની સંસદમાં ગુજરાતનો અવાજ મજબૂતાઈથી રજુ કરીશું. 25 બેઠકો હારવા પાછળ કયા કારણો હતા કે જેના કારણે માત્ર એક જ બેઠક આવી એનું ચિંતન કોંગ્રેસ પક્ષ કરશે. જ્યાં અપેક્ષા મુજબના પરિણામો ના મળ્યા એ અંગે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી મલ્લિકાર્જુન ખડગે સ્થાનિક નેતાઓ સાથે બેઠક કરશે. આગામી યોજાનાર ખેડા-બનાસકાંઠા જિલ્લા પંચાયત સહિત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની અત્યારથી તૈયારીઓમાં લાગી જવામાં આવશે. ગુજરાત કોંગ્રેસ પોલિટિકલ એડવાઈઝરી બેઠક બોલાવી વરિષ્ઠ નેતા
ઓ જવાબદારી આપવામાં આવશે.
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત સન્માન સમારોહમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્યસભા સાંસદ] શક્તિસિંહ ગોહિલએ નવનિર્વાચિત સાંસદ ગેનીબેનને અભિનંદન આપતા જણાવ્યું કે ગુજરાતનાં તમામ વર્ગ, જ્ઞાતિ-જાતિના લોકોએ કોંગ્રેસ પક્ષને અને શ્રી ગેનીબેનને જનસમર્થન-જનઆશીર્વાદ આપ્યા છે. આજનો સન્માન સમારોહ ત્રિવેણી સંગમ જેવો છે.ગેનીબેનનાં સન્માનની સાથેસાથે લોકસભા ચૂંટણીમાં જેમણે તન-મન-ધનથી કાર્ય કરનાર કોંગ્રેસ પક્ષનાં કાર્યકરો, જિલ્લા પ્રમુખશ્રીઓ અને લોકસભાનાં કોંગ્રેસ પક્ષનાં ઉમેદવારશ્રીઓનાં પણ સન્માન કરવામાં આવ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનું સંગઠન માળખામાં મારો એ સારો નહીં, કામ કરે એજ સારો એવું ચાલશે.જેને માળખામાં રહેવું હોય એ પોતાનો બાયોડેટા આપે અને બાયોડેટા આવ્યા હશે એમને ત્રણ મહિના સુધી જિલ્લા પંચાયત બેઠક સુધી જમીની કામ આપવામાં આવશે. મારી નજીક હશે તો પણ હોદ્દેદાર બનાવવામાં નહીં આવે. જમીનીસ્તર પર કામ કરશે એને જ સંગઠનમાં સ્થાન મળશે. કોંગ્રેસ પક્ષમાં કોઇ જૂથ નથી, અમે તમામ નેતાઓ પાંચ પાંડવોની જેમ બેઠા છે.
આ પણ વાંચો : બનાસની બેન 62 વર્ષ બાદ દહાડશે સંસદમાં ;કાલે રાજીનામું આપશે ગેનીબહેન
ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રિય નેતા, રાહુલ ગાંધીજીએ 4000 કિ.મી. થી વધુની ઐતિહાસિક ‘ભારત જોડો પદયાત્રા’ કરી ત્યારબાદ 6700 કિ.મી. ની ભારત જોડો ન્યાય યાત્રા દ્વારા દેશના લાખો નાગરિકો મળીને તેમની વ્યથા-વેદના અને સમસ્યાઓ સાંભળી જે કોંગ્રેસ પક્ષના ન્યાય સંકલ્પમાં જોવા મળી હતી. ટકી ન શકે તેવા તદ્દન ક્ષુલ્લક મુદ્દાને આધારે કોંગ્રેસ પક્ષના એકાઉન્ટ ફ્રીજ કરવામાં આવ્યાં. તેમ છતાં વિપરીત પરિસ્થિતિમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારો સમગ્ર દેશમાં અને ગુજરાતમાં મજબૂતીથી લડાઈ આપી કોંગ્રેસ પક્ષે ખૂબ સારી ટક્કર આપી તથા ગુજરાત અને દેશની જનતાએ કોંગ્રેસ પક્ષ અને ઈન્ડિયા ગઠબંધનને ખૂબ જ સરસ જનસમર્થન આપેલ છે. 10 વર્ષ બાદ આપણા મતોની ટકાવારી દેશ તથા ગુજરાતમાં ખૂબ જ વધી છે. અનેક મુશ્કેલીઓ વચ્ચે લડાયેલ આ ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપના અહંકારને જનતાએ હરાવ્યો છે
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત સન્માન સમારોહમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરએ જણાવ્યું હતું કે આજના ત્રિવેણી સંગમ કાર્યક્રમમાં સર્વેનો આભાર વ્યક્ત કરું છું.બનાસકાંઠાની જનતાએ ભાજપની હેટ્રીક રોકીને એક ભગીરથ કાર્ય કર્યું. કોંગ્રેસના દરેક કાર્યકરે તન-મન-ધનથી કામ કર્યું તેના માટે ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર પ્રગટ કરું છું.
બનાસકાંઠાની જનતા જાણે છે કે જ્યારે જ્યારે લોકશાહીનું હનન થાય છે. ત્યારે લોકશાહી બચાવવા મત આપે છે. ‘બનાસની બેન’ તરીકે નાગરિકોએ સૂત્ર આપ્યું અને મતથી મારુ મામેરું ભર્યું. સામ પક્ષે એક વ્યક્તિ લોકોના પરસેવાના પૈસા પાર્ટી માટે વાપરે ત્યારે આવા લોકોને કુદરત પણ માફ કરતું નથી કોંગ્રેસના કાર્યકરોએ સંદેશો છે કે આ તમારા આશીર્વાદ છે ત્યારે સેવાકીય કાર્ય જે કોંગ્રેસે કર્યા છે તે ડબલ તાકાતથી કરીશ.જો ક્યાંય અન્યાય થતો હોય ત્યાં મે કાર્યકર ને ન્યાય આપવા પ્રયાસ કર્યો છે. આગામી દિવસોમાં બનાસકાંઠાની સાથે સમગ્ર ગુજરાતનાં પ્રાણ પ્રશ્નોને વાચા આપવા પ્રયત્નશીલ રહીશ.
હું માત્ર 18 વર્ષની ઉંમરે 1995 માં ચૂંટણી લડી હતી, પંચાયતથી પાર્લામેન્ટ સુધીની 9 ચૂંટણીઓ હું લડી છું. હું આજે જે કંઈપણ છું એ કોંગ્રેસ પાર્ટીને આધીન છું. મેં લોકસભા માટે પ્રથમવાર મત માંગ્યા તો લોકોએ મત અને રૂપિયા બંને આપ્યા. પ્રિયંકા ગાંધીની સભાના કારણે બનાસકાઠામાં કોંગ્રેસ માટે સારું વાતાવરણ બન્યું. બનાસકાંઠાના કોંગ્રેસ કાર્યકરોએ ખંતથી કામ કર્યું.કોંગ્રેસ પાર્ટીનું ઋણ હું ક્યારેય નહીં ચૂકવી શકું. આજે હું રાજીનામું આપવા ગઈ ત્યારે આનંદ થયો. મારું રાજીનામું વ્યક્તિગત સ્વાર્થ કે વિશ્વાસઘાત માટે નહોતું. ભાજપ નેતાઓ ટોણો મારતા હતા કે ઇકો માં આવી જાય એટલા જ કોંગ્રેસના સભ્યો રહી જશે. જો કે ભાજપનું અભિમાન આ વખતે તૂટ્યું છે. અયોધ્યા અને એની આજુબાજુની કોઇ બેઠક ભાજપ ના જીતી શક્યું. ભગવાન શ્રી રામ ના નામે રાજકારણ થાય એને ક્યારેય સફળતા નથી મળતી.
લોકસભાની ચૂંટણીઓમાં આપણા ગુજરાતમાંથી બનાસકાંઠા લોકસભા ક્ષેત્રથી શ્રીમતી ગેનીબેન ઠાકોર જીત મેળવી છે. આપણા ઉમેદવારઓના અભિવાદન તથા અનેક મુશ્કેલીઓની વચ્ચે ખૂબ જ નિષ્ઠા અને પ્રામાણિકતાથી કોંગ્રેસના કાર્યકર્તાઓએ તાજેતરની ચૂંટણીમાં કરેલ અથાગ પ્રયત્નોની સરાહના કરવાની સાથે અભિનંદન પાઠવવામાં આવે છે. આપતો ઠરાવ પૂર્વ રાજ્ય સભા સાંસદશ્રી ડૉ. અમીબેન યાજ્ઞિકે રજુ કર્યો હતો. આ ઠરાવને ટેકો મહિલા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ગીતાબેન પટેલે આપ્યો હતો.