અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા બોપલમાં ગેંગરેપ અને લૂંટની ઘટના
અમદાવાદ શહેરમાં પોશ વિસ્તાર ગણાતા બોપલમાં ગેંગરેપ અને લૂંટની ઘટનાથી ચકચાર મચી છે. શહેરમાં સતત ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. પોશ વિસ્તારમાં રહેતા લોકો જાણે ગુનાખોરી માટે સોફ્ટ ટાર્ગેટ હોય તેમ જણાઇ રહ્યું છે.
અમદાવાદમાં 2 દિવસ પહેલા એક જ દિવસમાં હત્યાના 3 બનાવો બન્યા હતા. અને આજે બોપલ વિસ્તારમાં મહિલા સાથે નવા બનેલા ફ્લેટમાં એક મહિલા સાથે દુષ્કર્મ તથા લૂંટનો બનાવ બન્યો છે.
સિક્યોરિટીમાં ફરજ બજાવતા પાંચ જેટલા પરપ્રાંતિય શખ્સોએ બોપલના નવા બનેલા વેન્યુ સફાલીયા એપાર્ટમેન્ટમાં ડોરબેલ બજાવી અને ફ્લેટમાં ઘૂસી જઈ અને યુવતી પર ગેંગરેપ કર્યો હતો ત્યારબાદ 40,000ની લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. અમદાવાદ ગ્રામ્ય પોલીસની બાતમીને આધારે બનાસકાંઠા એલસીબીએ 5 આરોપીઓની પાલનપુર જતી એક લક્ઝરી બસમાંથી અટકાયત કરીને મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓ બોપલ અને ઘાટલોડિયામાં સિક્યોરિટીમાં ફરજ બજાવતા હતા અને તેમને ખબર હતી કે આ યુવતી ફ્લેટમાં રાત્રે એકલી છે અને એકલી યુવતીની જોઈને આ ઘટનાને અંજામ આપ્યો હતો.
સવારે પીડિતાની ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને પાલનપુર LCBને મળેલી બાતમીને આધારે અમદાવાદથી પંજાબ તરફ જતા ખાનગી વાહનો પર વોચ ગોઠવી હતી જેમાં પોલીસે ખાનગી લક્ઝરી બસને રોકાવીને તપાસ કરતા તેમાં રાજસ્થાન તરફ આરોપીઓ બસમાં બેસીને જઈ રહ્યા હતા. પોલીસે આરોપીઓ 40 હજાર રોકડ કબજે કર્યા હતા તેમજ ચાર મોબાઈલ ફોન, એક લેપટોપ, એટીએમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.