કચ્છના છારીઢંઢમાં મારક હથિયારો સાથે યાયાવર પક્ષીઓનો શિકાર કરવા આવેલી ટોળકી પકડાઇ…
ભુજઃ કચ્છમાં વન્યજીવોના શિકાર કરવાની પ્રવૃતિઓ સતત વધી રહી છે. વિવિધ પ્રજાતિના સેંકડો યાયાવર પક્ષીઓના ક્લશોરથી ગૂંજી રહેલાં છારીઢંઢ રક્ષિત વનવિસ્તારમાંથી મારક હથિયારો સાથેની શિકારી ટોળકીને પશ્ચિમ કચ્છની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ અને નિરોણા પોલીસે ઝડપી પાડી હતી.
આ પણ વાંચો : સુરતના કોસંબામાં તસ્કરો 6 બેંક લોકર તોડીને 49 તોલા સોનું અને નવ લાખ રોકડા ચોરી ગયા
આ અંગે એસઆઇટીના પી.આઈ પી.કે રાડાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, તેમને મળેલી બાતમીના આધારે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આ રક્ષિત વિસ્તારમાં વન્યજીવોના શિકાર કરવાના સાધનો સાથે બોલેરોમાં આવેલા પાંચ શિકારીઓને દબોચી લીધા છે. પોલીસે ઝડપેલાં શિકારીઓમાં ઈશા ભચુ મમણ અને ઓસમાણ ગની સુલેમાન મમણ, ઓસમાણ જુસબ ગગડા, આતિફ અજીત મોખા અને મહમંદ સોનુ સમસુદ્દીન મમણનો સમાવેશ થાય છે.
શખ્સો પાસેથી શિકારને ફસાવવાની ઝાળી, બે નાની અને મોટી છરી, કોયતો, કુહાડી સહિત રોકડાં ૧૮ હજાર ૧૦૦, ત્રણ સ્માર્ટ ફોન, બે લાખની બોલેરો મળીને ૨ લાખ ૩૪ હજાર ૨૫૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી, ઝડપાયેલાં તમામ શખ્સોને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા વન વિભાગને સુપ્રત કરાયાં હોવાનું રાડાએ ઉમેર્યું હતું.
છારીઢંઢ અને તેની આસપાસ ૫૦૦૦થી વધુ પાણીના ધોધ, પક્ષીઓની ૨૫૦ જેટલી પ્રજાતિઓ અને વન્ય પ્રાણીઓની ૫૫ અલગ-અલગ પ્રજાતિઓ નોંધવામાં આવી છે. શિયાળા દરમિયાન ૩૦,૦૦૦થી વધુ સામાન્ય ક્રેન્સ નોંધવામાં આવી છે. ડેલમેટિયન પેલિકન,ઓરિએન્ટલ ડાર્ટર, બ્લેક નેકેડ સ્ટોર્ક અને ઇન્ડિયન સ્કિમર જેવી લુપ્ત થતી જતી પ્રજાતિઓ દર વર્ષે આ વેટલેન્ડ્સમાં આવે છે.
આ પણ વાંચો : દેશમાં ગેસ લીકેજની ઘટનામાં થયો વધારોઃ 2023માં ગુજરાતમાં સૌથી વધુ બનાવ
હજારો ફ્લેમિંગો તેમના સમાગમ ચક્ર માટે,સામાન્ય ક્રેન્સ અને સેંકડો પેઇન્ટેડ સ્ટોર્ક,રેપ્ટર્સ અને સ્પૂનબિલ્સ સહિત અન્ય પક્ષીઓ અહીં જોઈ શકાય છે. ભીની માટી યાયાવર પક્ષીઓ ઉપરાંત ચિંકારા, વરુ, કારાકલ,રણમાં જ જોવા મળતી બિલાડીઓ અને રણના શિયાળને પણ આકર્ષે છે. કુદરતના કરિશ્મા સમી આ જગ્યાએ લાખોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ જેવાં કે કચ્છની ઓળખ સમા સુરખાબ,પેલિકન,યુરોપિયન રોલર, સ્થાનિક બાજ,ગરુડ,બતક,ટીટોડી જેવા-જાત જાતના અને દેશ વિદેશના પંખીઓનો જમાવડો જોવા મળે છે.