Gujarat માં અમદાવાદ સહિતના મહાનગરોમાં ગણેશ વિસર્જન કુંડ તૈયાર
અમદાવાદઃ ગુજરાતભરમાં હાલ ગણેશ મહોત્સવ(Ganesh Mahotsav 2024)ધામધૂમથી ઉજવાઇ રહ્યો છે. ઠેર ઠેર ગણેશ પંડાલોમાં લોકો ભગવાન ગણપતિની પૂજા-અર્ચના કરી રહ્યા છે. આ ઉપરાંત ઘરોમાં કોઈ દોઢ દિવસ, કોઈ ત્રણ દિવસ અને કોઈ 10 દિવસ સુધી ગણેશજીનું સ્થાપન કરી છે. ત્યારે રાજ્યના ચાર મહાનગર અમદાવાદ, સુરત, વ઼ડોદરા અને રાજકોટમાં ગણેશ વિસર્જનને પગલે કોર્પોરેશન દ્વારા વિસર્જન કુંડની વ્યવસ્થા કરવામાં આવી છે.
અમદાવાદના સાત ઝોનમાં 51 વિસર્જન કુંડ
અમદાવાદમાં ગણેશ મહોત્સવ પ્રસંગે સાત ઝોનમાં ગણેશ મૂર્તિના વિસર્જન માટે રૂપિયા 80 લાખના ખર્ચે વિવિધ વોર્ડ વિસ્તારમાં 51 વિસર્જન કુંડ મનપા તરફથી તૈયાર કરાયા છે. ઉપરાંત સાત જેટલા સ્ટેજ ઉભા કરવામાં આવશે. ઈકોફ્રેન્ડલી ગણેશોત્સવ પ્રોત્સાહન સ્પર્ધા યોજાશે. ગણેશ વિસર્જનના દિવસે ફાયર વિભાગ ઉપરાંત ક્રેઈનની સુવિધા,પીવાના પાણી સહિતની અન્ય સુવિધા મ્યુનિસિપલ તંત્ર તરફથી પુરી પાડવામાં આવશે.
પ્રથમ વિજેતાને રૂપિયા 51 હજાર,દ્વીતીય વિજેતાને રૂ. 31 હજાર તથા તૃતીય વિજેતાને રૂપિયા 21 હજાર પ્રોત્સાહક પુરસ્કાર આપવામા આવશે. વિવિધ દિવસોએ ગણેશ મૂર્તિનુ ભાવિકો દ્વારા વિસર્જન કરવામા આવતુ હોવાથી રિવરફ્રન્ટ ખાતે ફાયર વિભાગનો જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવશે. શહેરમાં અંદાજે 3000 જેટલા પંડાલો છે. દરેક જગ્યાએ ફાયર સેફ્ટી માટે સાધનો અને માણસો મૂકવા શક્ય નથી. જેથી જાહેર નોટિસ આપી ફાયર સેફ્ટી અંગે શું ધ્યાન રાખવું તેની તમામ માહિતી આપવામાં આવી છે.
સુરતમાં 21 જેટલા કૃત્રિમ તળાવ તૈયાર
ગુજરાતભરમાં સૌથી વધુ ગણેશ પ્રતિમાની સ્થાપના સુરતમાં થાય છે. જેમાં ઉધના, પાંડેસરા અને લીંબાયત વિસ્તારમાં શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના વધુ થઈ છે. સુરતના જૂના કોટ વિસ્તારથી શહેરભરમાં ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મનપા દ્વારા ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરવામાં આવે છે. અત્યાર સુધીના કુલ 21 જેટલા કૃત્રિમ તળાવ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. કુલ 21 જેટલા કૃત્રિમ તળાવો તૈયાર કરવામાં કૃત્રિમ તળાવમાં પીઓપીની મૂર્તિ સહિત માટેની મૂર્તિઓનું પણ વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
આ વર્ષે પણ પાલિકાએ 7.56 કરોડ રૂપિયા ખર્ચ કરવાનો અંદાજ મુક્યો છે. આ પાછળ મહાનગરપાલિકાએ મોંઘવારી કારણભૂત હોવાનું જણાવ્યું છે અને એજન્સીઓની શોધખોળ શરૂ કરી છે. સુરત મનપા પાસેથી મળતી માહિતી મુજબ આ વર્ષે પણ પાલિકાએ 7.56 કરોડ રૂપિયા ખર્ચ કરવાનો અંદાજ મુક્યો છે. કૃત્રિમ તળાવ દરેક ઝોનમાં બનાવવામાં આવ્યા છે. જેથી કરીને દરેક ભક્તો સારી રીતે ગણેશ વિસર્જન કરી શકે. આ વર્ષે અંદાજે 60 હજાર જેટલી મૂર્તિઓનું કૃત્રિમ તળાવમાં વિસર્જન થાય તેવી શક્યતા છે.
વડોદરા શહેરમાં નવ વિસર્જન કુંડની વ્યવસ્થા
વડોદરા શહેરમાં ગણેશ ચતુર્થીના દિવસે 7500થી વધુ ગણેશ મંડળો દ્વારા પંડાલમાં શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરાયું છે. જેમાંથી 55 જેટલા મોટા ગણેશ પંડાલોમાં 15 થી 25 ફૂટ જેટલી પ્રતિમાનું સ્થાપન કર્યું છે. ત્યારે ગણેશ વિસર્જનને પગલે મનપા વડોદરામાં નવ વિસર્જન કુંડ બનાવામાં આવ્યા છે. જેમાં પૂર્વમાં ખોડિયારનગર જીઓ પેટ્રોલપંપ સામે, હરણી સ્કલ્પચર પાર્ક, લેપ્રેસી ગ્રાઉન્ડ, સરદાર એસ્ટેટ પાસે, પશ્ચિમમાં કેટલા કુંડ, ભાયલી પ્રિયા સિનેમા બાજુ, દશામાં તળાવ ગોરવામાં વ્યવસ્થા કરવામાં આવી છે.
ઉત્તરમાં હરણી સમાં કૃત્રિમ તળાવ, નવલખી કૃત્રિમ તળાવ અને દક્ષિણમાં SSV2ની સામે, સોમાં તળાવ રિંગ રોડ, માંજલપુર સ્મશાન પાસેનના પ્લોટમાં કુત્રિમ કુંડની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક કૃત્રિમ તળાવ પર પાંચ ફાયરની ટીમ અને જ્યા મોટાં તળાવોમાં જરૂરિયાત પ્રમાણે ફાયર સ્ટાફ અને ક્રેનોની વ્યવસ્થા કરવામાં આવશે.શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં અધિકારીઓ તહેનાત રહેશે.
રાજકોટ શહેરમાં સાત સ્થળોએ વિસર્જનની વ્યવસ્થા
રાજકોટમાં કોઈપણ પંડાલોમાં કે વિસર્જન સમયે કોઈપણ દુર્ઘટના ન બને તે માટેની તૈયારીઓ ફાયર વિભાગ દ્વારા પણ કરી લેવામાં આવી છે. જેમાં પંડાલો ખાતે સુરક્ષાની ચકાસણી કરવામાં આવી ચૂકી છે. ગણેશ વિસર્જન માટે રાજકોટમાં સાત સ્થળોએ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં ફાયર વિભાગની કુલ સાત ટીમ અને 80 કરતા વધુ જવાનો ખડેપગે રહેશે. રાજકોટનાં આજીડેમ ખાતે ખાણ નંબર એક, બે, અને ત્રણ ખાતે ગણપતિ વિસર્જન માટે ત્રણ ટીમો અને 35 જેટલા જવાનો તહેનાત કરવામાં આવ્યા છે.