દલિત સમાજના આગેવાનના પુત્રને માર મારવાની ઘટનામાં ગણેશ જાડેજાની ધરપકડ
ગોંડલ : જુનાગઢના દલિત સમાજના આગેવાનના પુત્ર સંજય સોલંકીનું અપહરણ કરીને માર મારવાના કિસ્સામાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાનું પુત્ર ગણેશ જાડેજા (Ganesh Jadeja) વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે પરંતુ આજ સુધી આરોપી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી નહોતી. પરંતુ ઘટનાના ઉગ્ર સ્વરૂપને લઈને આજે પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે.
શું હતો બનાવ ? :
ગોંડલના વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા અને તેમની ટોળકીની સામે જૂનાગઢમાં અપહરણ અને હત્યા જેવા ગંભીર ગુનાઓની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. 30મી મેની સાંજે જુનાગઢ NSUIના પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરીને ગોંડલ લાવી નગ્ન કરીને માર મારી વિડીયો ઉતાર્યા બાદ જુનાગઢ ભેંસાણ ચોકડી પાસે મૂકી ગયા હોવાનો આરોપ લગાવવામાં આવ્યા છે, અને તેનો વિડીયો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી.
જીગ્નેશ મેવાણી આ મુદ્દે ઉગ્ર :
આ ઘટનાના 72 કલાક થયા બાદ પણ ધરપકડ કરવામાં આવી નહોતી જેને લઈને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ દલિત સમાજના લોકોને સાથે લઈને રાજકોટ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. સાથે જ તેમણે આગામી 24 થી 48 કલાકમાં આરોપીની ધરપકડ કરવામાં નહિ આવે તો જુનાગઢ બંધ અને અને ગોંડલમાં દલિત અસ્મિતા સંમેલન યોજવાની ચીમકી ઉચ્ચારી હતી.