ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટનો રિપોર્ટ હાઈ કોર્ટમાં કરાયો રજૂ, 15 જાન્યુઆરીએ થશે સુનાવણી…

અમદાવાદ/ગોંડલઃ રાજકુમાર જાટ કેસમાં આરોપી ગણેશ ગોંડલનો ડિસેમ્બર 2025માં નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ગાંધીનગર FSLમાં આરોપી ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ થયો હતો. જેનો રિપોર્ટ આજે ગુજરાત હાઈ કોર્ટમાં રજૂ કરાયો હતો. આ ટેસ્ટમાં તેને 31 સવાલ કરાયા હતા. જેમાં માર માર્યાનો કે કાવતરું રચ્યાનો ઈનકાર કર્યો હતો. આ મુદ્દે 15 જાન્યુઆરીના રોજ વધુ સુનાવણી થશે.
હાઈ કોર્ટમાં થયેલી સુનાવણીમાં સરકારી વકીલ તરફથી રજૂઆત કરાઈ હતી કે, 5 બાબતોને ધ્યાનમાં રાખી કેસની તપાસ કરવામાં આવી છે. જેમાં ટેકનિકલ વસ્તુઓ, સીડીઆર, નાર્કો એનાલિસિસ અને સાહેદોના નિવેદનનો સમાવેશ થાય છે.
રાજકુમાર જાટના પિતાએ લગાવ્યો હતો આરોપ
મૃતક રાજકુમાર જાટના પરિવારજનોએ આ બનાવને અકસ્માત નહીં પણ હત્યા ગણાવીને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ જાડેજા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. આ મામલે રાજકોટની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં નાર્કો ટેસ્ટ કરાવવા માટે અરજી કરવામાં આવી હતી. જેમાં 8 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર, 2025 સુધીમાં નાર્કો ટેસ્ટની મંજૂરી આપવામાં આવી હતી. આ રિપોર્ટ આવતાં હાઈ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો…ગોંડલના રાજકુમાર જાટ મર્ડર કેસમાં નવો વળાંક: સુરેન્દ્રનગર એસપીને તપાસ સોંપવામાં આવી
શું હતો આ સમગ્ર મામલો?
ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ ગોંડલ પર રાજકુમાર જાટ નામના યુવકને માર મારવાનો આરોપ છે. ગત 9મી માર્ચ, 2025એ રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટે આ આરોપ લગાવ્યો હતો. માર માર્યાના આક્ષેપ બાદ રાજકોટ અમદાવાદ હાઇવે પર તરઘડિયા નજીક ઓવરબ્રિજ પર રાજકુમારનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ કેસમાં ગુજરાત હાઈ કોર્ટે નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી હતી, જેથી ગાંધીનગર ખાતે ફોરેન્સિક સાયન્સ લેબમાં 9 ડિસેમ્બરથી ગણેશની મેડિકલ પ્રોસેસ કરવામાં આવી અને તેનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો…ગણેશ ગોંડલ અને રાજૂ સોલંકી પરિવારો વચ્ચે સમાધાનની અટકળો…



