વડોદરામાં ગણેશ ઉત્સવમાંઈકોફ્રેન્ડલી મૂર્તિનું ચલણ વધ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વડોદરાનો ગણેશ ઉત્સવ વડોદરાની આગવી ઓળખ ગણાય છે. વડોદરાના એક યુવક મંડળ દ્ધારા પર્યાવરણના જતન માટે અનોખી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે.પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ વલ્લભ નગર સોસાયટીમાં શ્રીગણેશ મંડળ દ્ધારા ગણેશ ઉત્સવ દરમિયાન પીઓપીની મૂર્તિથી પાણી પ્રદૂષિત થતું હોવાથી પર્યાવરણના જતન માટે ડાંગરના સૂકા ઘાસના પુડામાંથી આશરે આઠ ફૂટ ઊંચી સુંદર શ્રીજીની પ્રતિમા બનાવવામાં આવી રહી છે. આગામી ગણેશ ઉત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે પર્યાવરણના જતન માટે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું ચલણ વધ્યું છે. કારેલીબાગ વિસ્તારમાં આવેલી વલ્લભ નગર સોસાયટીમાં શ્રીગણેશ મંડળ દ્વારા આ વર્ષે માત્ર પાંચ હજાર રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલ ડાંગરના સૂકા ઘાસના પુડામાંથી બનેલ મનમોહક શ્રીજીની પ્રતિમા સ્થાપવામાં આવશે.