ગાંધીનગરમાં ગરબામાં તિલક કરવા પહોંચેલા બજરંગ દળ અને પોલીસ વચ્ચે ઘર્ષણ

ગાંધીનગરઃ પવિત્ર પર્વ નવરાત્રિનો રંગેચંગે શુભારંભ થઈ ગયો છે. 4થી ઑક્ટોબર શુક્રવારે માઈભક્તોએ બીજું નોરતું ઉજવ્યું હતું. આ પાવન અવસરે સનાતન સંકૃતિની ગરિમા જળવાય તે હેતુથી હિંદુ સંગઠનો ગરબા આયોજનો પર ચાંપતી નજર રહીને બેઠાં છે. ઉત્સવ પહેલાં જ ઘણે ઠેકાણે જાહેર કરી દેવામાં આવ્યું હતું કે, પવિત્ર ગરબામાં બિનહિંદુઓ ન આવે અને શક્ય બને તો તિલક કરીને જ પ્રવેશ આપવામાં આવે. જેના ભાગરૂપે ગાંધીનગરમાં બજરંગ દળ કાર્યકર્તાઓ ગરબા આયોજનના સ્થળે તિલક લગાવવા માટે પહોંચ્યા હતા, પરંતુ અહીં પોલીસ સાથે તેમનું ઘર્ષણ થયું હતું.
બજરંગ દળ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવામાં આવ્યો છે. જોકે, આ સમગ્ર મામલે ગાંધીનગર પોલીસ અને જિલ્લા પોલીસ વડા દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોડી રાત્રે ગાંધીનગરમાં સરગાસણ ક્રોસ રોડ પાસે આવેલા એક ગરબાના કાર્યક્રમમાં તિલક કરવા માટે બજરંગ દળના કાર્યકર્તા પહોંચ્યા હતા. જે દરમિયાન પોલીસ અને બજરંગ દળ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે લાઠીચર્જ કર્યો હોવાનો બજરંગ દળ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.
મોડી રાત્રે સરગાસણ પાસે આવેલા ઠાકર ફાર્મમાં 50થી 60 લોકોનું ટોળું આવ્યું હતું. ટોળા દ્વારા ગરબામાં જબરજસ્તી જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેના કારણે ગરબા આયોજકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે તેઓને રોકવાનો પ્રયત્ન કર્યો હતો, જેને લઈ પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું બજરંગ દળ કાર્યકર્તાઓએ પોલીસ અધિકારીઓ ઉપર બળપ્રયોગ કરીને લાઠીચાર્જ કરવાના આરોપ લગાવ્યા છે. બીજી તરફ, પોલીસનું કહેવું છે કે નાનકડું ઘર્ષણ થયું હતું અને મામલો શાંત પડી ગયો છે. હાલ આ બાબતે કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી.