આપણું ગુજરાત

હવે VIP બંદોબસ્તથી પોલીસની રોજિંદી કામગીરી નહિ ખોરવાય! પ્રોટોકોલ બ્રાંચની રચના

અમદાવાદઃ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સરકારી સમારંભોના કારણે દેશ-વિદેશના મહાનુભાવોનુ આવાગમન થતું રહે છે. જેના કારણે ગાંધીનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોના કર્મચારીઓએ ફરજ પર ખડે પગે રહેવું પડે છે. વીવીઆઈપીનો કાફલો જે રૂટ પરથી પસાર થવાનો હોય ત્યાં પીઆઈથી માંડીને કોન્સ્ટેબલ સુધીના કર્મચારીઓએ બંદોબસ્ત માટે દોડવું પડે છે. જેથી હવે ગાંધીનગર પોલીસની રોજની કામગીરીમાં વિક્ષેપ થાય નહીં તે માટે પ્રોટોકોલ વિભાગ ઊભો કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.

DySPના અધ્યક્ષતાએ રચાયો નવો વિભાગ
ગાંધીનગરમાં મહાનુભાવોની અવર-જવરને ધ્યાને રાખીને પ્રોટોકોલ વિભાગ ઊભો કરવા લાંબા સમયથી વિચારણા ચાલી રહી હતી. ગાંધીનગર પોલીસની આ સમસ્યાના નિવારણ રૂપે ડીવાયએસપીના વડપણ હેઠળ નવો વિભાગ બનાવવામાં આવશે. તેમાં ત્રણ પીઆઈ, 10 પીએસઆઈ ઉપરાંત 147 પોલીસ કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવશે. પ્રોટોકોલ શાખાની ટીમને પોલીસની રોજિંદી કામગીરી કરવાના બદલે માત્ર વીઆઈપી મૂવમેન્ટ પર જ ધ્યાન રાખવું પડશે.

પોલીસની રોજીંદી કામગીરીને નહીં થાય અસર
અમદાવાદ એરપોર્ટ પર કોઈ મહાનુભાવના આગમન બાદ તેઓ ગાંધીનગરમાં પ્રવેશ કરે ત્યારથી પોલીસની કામગીરી શરૂ થઈ જતી હતી.આ કામગીરીમાં ઘણી વખત આખો દિવસ પસાર થઈ જતો હોય છે. જેને કારણે ગાંધીનગર પોલીસની રોજિંદી કામગીરીને અસર પહોંચતી હોવાનું ઉચ્ચ અધિકારીઓના ધ્યાને આવ્યુ હતું અને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીએ ઉચ્ચ સ્તરે રજૂઆત કરતા રાજ્ય પોલીસ વડા તરફથી પ્રોટોકોલ શાખા શરૂ કરવા મંજૂરી આપવામાં આવી હતી.

Also read: પાટનગરને શણગારવાની સાથે લારી-ગલ્લા અને છાપરાંનો સફાયો

ગાંધીનગર પ્રોટોકોલ શાખામાં સ્વેચ્છાએ ફરજ બજાવવા માગતા હથિયારી PSI પાસે અધિક પોલીસ મહાનિદેશક હથિયારી એકમોની કચેરી તરફથી અરજી મંગાવવામાં આવી હતી. સ્વચ્છ સેવાકીય રેકોર્ડ ધરાવતા હથિયારી PSIના રિપોર્ટ મેળવી સ્પષ્ટ અભિપ્રાય સાથે રજૂ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. નવી પ્રોટોકોલ શાખામાં રાજ્યના પોલીસ કર્મચારીઓ ઉપરાંત એસઆરપી જૂથનો પણ સમાવેશ કરવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button