આપણું ગુજરાતભુજ

ગાંધીધામના યુવકે પરિચિતોના નામે વિવિધ બેન્ક ખાતાં ખોલાવી કરી કરોડોની હેરફેર

ભુજ: કચ્છના ગાંધીધામ શહેરમાં રહેનારા એક ભેજાબાજ યુવકે તેના મિત્રો-પરિચિતોને વિશ્વાસમાં લઈ તેમના નામે બેન્ક ખાતાં ખોલાવી દેશભરમાં અનેક લોકો સાથે કરોડો રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી કરી હોવાનો ચોંકાવનારો બનાવ બહાર આવતાં ખળભળાટ મચ્યો છે. પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસે બનાવની વિગતો આપી હતી.

પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસે આ અંગે પ્રાથમિક વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગાંધીધામના સુંદરપુરી વિસ્તારના 23 વર્ષિય ચિરાગ બિપીનકુમાર સાધુ નામના યુવાને પોલીસને જણાવ્યું હતું કે, સુંદરપુરી વિસ્તારમાં રહેતો અને તેનો મિત્ર નરેન્દ્ર કિશન રાજપૂતે બે- અઢી મહિના પૂર્વે તેને રૂબરૂ મળવા બોલાવીને પોતાના બેન્ક ખાતાની લિમિટ પૂરી થઈ ગઈ હોઈ તેમજ પૈસા જમા થવાના હોઈ થોડાંક દિવસ પૂરતું તેના બેન્ક ખાતાનો ઉપયોગ કરવા દેવા વિનંતી કરી હતી. ફરિયાદીએ પોતાના અંગત બેન્ક ખાતાનો ઉપયોગ કરવા દેવાનો ઈન્કાર કરતાં તેણે તેના નામે બેન્ક ઑફ કર્ણાટકમાં નવું ખાતું ખોલાવવા વિનંતી કરી હતી.

મદદ કરવાના હેતુથી ફરિયાદીએ હા પાડતાં નરેન્દ્રએ ફરિયાદીના નામે નવું સીમ કાર્ડ કઢાવીને તેના આધાર તથા પાન કાર્ડ પર બેન્ક ઑફ કર્ણાટકમાં નવું સેવિંગ્ઝ એકાઉન્ટ ખોલાવ્યું હતું અને નવું સીમ અને એટીએમ કાર્ડ, પાસબૂક નરેન્દ્રએ પોતાની પાસે રાખી દીધા હતા.

આ પણ વાંચો : ગાંધીધામના કોંગ્રેસ ઉપપ્રમુખની બંદૂક સાથે ઇન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કરનારા શખ્સની ધરપકડ

થોડા દિવસ બાદ ફરિયાદીએ તેને સીમ કાર્ડ અને એટીએમ પરત આપવા જણાવ્યું ત્યારે ખાતામાં હજુ પૈસા જમા થયાં નથી કહીને પૈસા જમા થયે તે પરત આપી દેશે તેવો વાયદો કરી નરેન્દ્રએ ફરિયાદીને ફરી રૂબરૂ મળીને ‘બધું અટકી ગયું હોવાનું’ કહીને ફરી તેને અને તેના મિત્રને નવા ખાતાની જરૂર પડી હોવાનું કહી તેના દસ્તાવેજ પર બેન્ક ઑફ મહારાષ્ટ્રમાં બીજું ખાતું ખોલાવી એ ખાતામાં નરેન્દ્રએ તેનો મોબાઈલ નંબર લિન્ક કરાવી દીધો હતો.

બે માસ જેવો સમય વીત્યો છતાં નરેન્દ્ર બેન્ક ખાતાં પરત કરવામાં વાયદા કરતો હોઈ શંકાના આધારે ફરિયાદીએ બેન્ક ઑફ મહારાષ્ટ્રમાં જઈ તેનું પાન કાર્ડ આપીને ખાતાની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે તેના ખાતામાં રોજ બેથી ત્રણ લાખ રૂપિયાની અનઅધિકૃત લેવડ-દેવડ થતી હોઈ તેમજ બચત ખાતાની મર્યાદાથી વધુ લેવડ-દેવડ થઈ હોઈ બેન્ક ખાતું બ્લોક થઈ ગયું છે.

ફરિયાદીએ નેટ બેન્કિંગથી સ્ટેટમેન્ટ મેળવતાં ૧૦-૦૭-૨૦૨૪થી ૦૩-૦૮-૨૦૨૪ના એક માસ દરમિયાન ખાતામાં ૯૦ લાખ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સ્પષ્ટ થયું હતું. ખાતામાં જમા થતાં નાણાં બીજા ખાતામાં ટ્રાન્સફર થતાં હતાં. નરેન્દ્ર મોટી ગોલમાલ કરતો હોવાની શંકાના આધારે ફરિયાદીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં જઈ અરજી આપી હતી.

પોલીસે નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ પર તપાસ કરતાં તે ખાતામાં કેરળ, ઉત્તર પ્રદેશ, બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતના સાત રાજ્યોમાં ફ્રોડથી નાણાં જમા કરાવાયાની ફરિયાદો નોંધાયેલી જોવા મળી છે.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે નરેન્દ્રએ ચિરાગની જેમ અન્ય મિત્ર જીગરની માતા નીતાબેન પંડ્યા, શંકર સુમાર એડીયા, ચિરાગ શંકર કારીયા, પવન થારુ નામના અન્ય મિત્રો અને પરિચિતોને વિશ્વાસમાં લઈ તેમના નામે બેન્ક ખાતાં ખોલાવ્યાં છે. નરેન્દ્રએ આ રીતે નિર્દોષ લોકોના નામે બેન્ક ખાતાઓ ખોલાવી, સાયબર ફ્રોડ કરતી ગેંગોને ભાડે આપીને દેશભરમાં મોટું ફ્રોડ કર્યું હોવાની પોલીસને આશંકા છે. સાયબર ક્રાઈમ પીઆઈ વી.કે. ગઢવીએ આરોપી યુવક વિરુદ્ધ આઇટી એક્ટ તળે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button