ગુજરાત-રાજસ્થાન બોર્ડર પાસે ગમખ્વાર અકસ્માત, 4 ગુજરાતી યુવકોના મોત

રાજ્યમાં અકસ્માતના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પાસે પૂરપાટ ઝડપે રોંગ સાઇડમાં જઇ રહેલી કાર બસ સાથે અથડાતા 4 ગુજરાતી યુવાનોના મોત થયા છે અને એક યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. રતનપુર ચેકપોસ્ટથી નજીકના અંતરે આવેલા વીંછીવાડા પાસે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.
મધ્યરાત્રિએ સર્જાયેલા અકસ્માતમાં દુર્ઘટનાનો ભોગ બનેલા પાંચ યુવાનો કારથી ગુજરાત પરત આવી રહ્યા હતા. તેઓ રોંગ સાઇડથી જઇ રહ્યા હતા તે દરમિયાન ખાનગી બસના ડ્રાઇવરે દૂરથી કારની ઝડપ જોઇને બસને રોડની સાઇડમાં ઉભી કરી દીધી હતી.
ફૂલ સ્પીડમાં કાર આવતી હોવાથી ડ્રાઇવર બસને નજીક જોઇને કંટ્રોલ કરી શક્યો નહતો અને જેને કારણે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે કારમાં સવાર તમામ ચાર લોકોના મોત થયા હતા જ્યારે એક અન્ય વ્યક્તિ ઘાયલ થયો હતો.
મૃતકોની પ્રાથમિક ઓળખ શામળાજી નજીકના ગ્રામીણ વિસ્તારના યુવકો તરીકે થઇ છે. તમામ મૃતકોની ઉમર 30થી 35 વર્ષ વચ્ચેની હોવાનું જાણવા મળી રહ્યું છે.