ગંભીરા બ્રિજ દુર્ઘટના: વધુ એક મૃતદેહ મળતા મૃત્યુઆંક 18 પર પહોંચ્યો…

અમદાવાદઃ વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ બુધવારે તૂટી પડતાં અનેક વાહનો નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક 18 સુધી પહોંચ્યો છે. એસડીઆરએફ, એનડીઆરએફ અને ફાયરબ્રિગેડ સહિત 10થી વધુ એજન્સીની ટીમ બચાવ અને રાહતકાર્યમાં જોતરાયેલી હતી. આજે આ દુર્ઘટના સંદર્ભે વધુ એક લાશ મળી આવી હતી. જેનાથી મૃત્યુઆંકમાં વધારો થયો છે.
મૃત્યુઆંક વધ્યો
મળતી વિગતો અનુસાર ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ગુમ થયેલા બામણગામના દિલીપ પઢિયારની લાશ મળી આવી હતી, જેનાથી મૃત્યુઆંકમાં વધારો થયો છે. દિલીપભાઈ નોકરી પર જવા નીકળ્યા બાદ છેલ્લા 36 કલાકથી લાપતા હતા. રેસ્ક્યુ ટીમને તેમની શોધખોળ દરમિયાન આ લાશ મળી આવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
9 જુલાઈના રોજ તૂટી પડ્યો હતો બ્રીજ
ઉલ્લેખનીય છે કે મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ 9 જુલાઈના રોજ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થતી 3 ટ્રક, 1 રિક્ષા, 1 ઈકો, 1 પિકઅપ ડાલું સાથે જ 2-3 બાઇક મહીસાગર નદીમાં ખાબક્યાં હતાં. આ સાથે જ એક ટ્રક નીચે એક ફોર-વ્હીલર પણ દબાઈ હોવાની આશંકા છે. આ દુર્ઘટનામાં 18 લોકોનાં મોત થયાં છે, જ્યારે 8થી વધુ લોકોને રેસ્ક્યૂ કરી બચાવી લેવાયા હતા.
વડોદરા-આણંદને જોડતા મુજપુર-ગંભીરા પુલની દુર્ઘટના અંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઘટનાક્રમની વિસ્તૃત અને ઝીણવટપૂર્વકની ઉચ્ચસ્તરીય તપાસ માટેના દિશાનિર્દેશો આપ્યાં હતાં. મુખ્ય પ્રધાને નિષ્ણાંતોની એક ટીમને આ દુર્ઘટનાગ્રસ્ત થયેલા મુજપુર-ગંભીરા પુલની અત્યાર સુધીના સમગ્ર સમયગાળા દરમિયાન થયેલી મરામત, ઇન્સ્પેક્શન, ગુણવત્તા ચકાસણી જેવી બાબતોનો અહેવાલ તૈયાર કરવાની જવાબદારી સોંપી હતી.
ચાર અધિકારીઓ સામે એક્શન
નિષ્ણાંતોની આ ટીમ દ્વારા દુર્ઘટના સ્થળની જાત મુલાકાત કરાયા બાદ આ દુર્ઘટનાના કારણોના પ્રાથમિક તપાસ અવલોકનોના આધારે આ દુર્ઘટનામાં જવાબદાર જણાયેલાં અધિકારીઓ એન. એમ. નાયકાવાલા – કાર્યપાલક ઇજનેર, યુ. સી. પટેલ – નાયબ કાર્યપાલક ઇજનેર, આર.ટી.પટેલ – નાયબ કાર્યપાલક ઇજનેર તથા જે. વી. શાહ – મદદનીશ ઇજનેરને તાત્કાલિક અસરથી ફરજમોકૂફી હેઠળ મૂકવાનો નિર્ણય કર્યો હતો.