મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગધેથડના ગાયત્રી આશ્રમ ખાતે ગુરુપૂજન કાર્યક્રમમાં સહભાગી થયા…
રાજકોટઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ રાજકોટ જિલ્લાના ગાયત્રી આશ્રમ, ગધેથડ ખાતે યોજાયેલા ગુરૂપૂજન કાર્યક્રમમાં સહભાગી થયા હતા અને ગાયત્રી મંદિરમાં શીશ ઝૂકાવી પ્રાર્થના કરી હતી. તેમણે આશ્રમના મહંત લાલબાપુના આશીર્વાદ પણ લીધા હતા.
આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે, ગધેથડ ગાયત્રી આશ્રમ જેવી આસ્થાની જગ્યાએ આવવાથી જનસેવા માટેનું મારુ મનોબળ વધુ મજબૂત બને છે. છેવાડાના નાનામાં નાના માણસની સુખાકારી વધારવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે, ત્યારે સંતોના આશીર્વાદથી જન કલ્યાણનો અમારો સંકલ્પ વધુ મજબૂત બનશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “માગશર પૂર્ણિમાના પવિત્ર દિવસે લાલબાપુ સમા ગુરૂવર્યના આશીર્વાદ મેળવવાનો અવસર પ્રાપ્ત થયો છે એ મારે મન ખૂબ મહત્વનું છે.
આશ્રમના મહંત લાલબાપુએ જણાવ્યું હતું કે, સમાજ અને દેશની જાળવણી માટે પૈસા કરતા સંસ્કારનું મહત્વ વધુ હોય છે, સંસ્કારનુ સિંચન આધ્યાત્મિકતાથી થાય છે. લાલબાપુએ અમદાવાદ ખાતે પોતાની સારવાર દરમિયાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે લીધેલી મુલાકાતને યાદ કરી હતી.