Packaged Fruit juice મામલે FSSAIએ કંપનીઓને આપ્યો આ આદેશ, તમે પણ ચેતી જાઓ

અમદાવાદઃ દરેક સિઝનમાં ફળ ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. ઘણા ફળોના જ્યૂસ પીવાનું પસંદ કરે છે. હાલમાં બજારમાં પેકેજ્ડ ફ્રૂટ જ્યૂસની બોલબાલા છે ત્યારે FSSAIએ આ જ્યૂસ બનાવતી કંપનીઓને આદેશ આપ્યો છે જે જાણી લેવો અને આવા ફ્રૂટ જ્યૂસ પીતા પહેલા વિચાર કરવો તમારી માટે ખૂબ જરૂરી છે.
FSSAI એ ફૂડ બિઝનેસ ઓપરેટરોને કહ્યું કે તેઓ તેમના જ્યુસ બોક્સ અથવા લેબલ પર 100% ફળોનો રસ લખે નહીં. આવા દાવાઓ પાયાવિહોણા અને ખોટા છે. બોટલમાં ભરેલા અને પેકેજ્ડ જ્યુસમાં બીજા બધા તત્વો વધારે હોય છે, જ્યારે ફળોનો પલ્પ ઘણો મર્યાદિત હોય છે.
ICMRએ થોડા દિવસો પહેલા કહ્યું હતું કે ઉનાળામાં તમે પાણી, નારિયેળ પાણી, તાજા ફળોનો રસ પી શકો છો. પરંતુ જ્યુસને બદલે આખા ફળો ખાવાની પણ સલાહ આપવામાં આવી હતી. ICMRએ બોટલ કે પેકેજ્ડ જ્યુસ ન પીવા કહ્યું હતું. હવે FSSAIએ બોટલ અને પેકેજ્ડ જ્યુસ પર પણ કડક કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે.
પેકેટો અને બોટલોમાં વેચાતા જ્યુસ કેટલાક મહિનાઓ જૂના હોઈ શકે છે. જ્યુસની બોટલોમાં જંતુઓ કે હાનિકારક વસ્તુઓ મળી આવી હોય તેવા ઘણા કિસ્સાઓ પણ બન્યા છે. આ જ્યુસના કારણે વ્યક્તિને અનેક ગેરફાયદાનો સામનો કરવો પડી શકે છે.
પેકેજ્ડ જ્યુસમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે. ખાંડને ઘણા ફેન્સી નામો આપવામાં આવે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ ખૂબ નુકસાનકારક હોઈ શકે છે અને પીનારાઓ પર પ્રિ-ડાયાબિટિક થવાનો ખતરો હોય છે.
પેકેજ્ડ જ્યુસની શેલ્ફ લાઇફ વધારવા માટે એડિટિવ્સ અને પ્રિઝર્વેટિવ્સ ઉમેરવામાં આવે છે. ઘણા ઉત્પાદકો તેનો અતિશય માત્રામાં ઉપયોગ કરી શકે છે જે શરીરને નુકસાન પહોંચાડી શકે છે. તે સ્થૂળતાનું કારણ પણ બની શકે છે.
નિષ્ણાતોનું માનીએ તો ઘરે બનાવેલા જ્યુસ કરતા પણ આખા ફળ ખાવા વધારે લાભદાયક છે. દરેક સિઝનના તાજા ફળ ખાવાથી મિનરલ્સ અને ફાઈબર ભરપૂર માત્રામા મળે છે.