આપણું ગુજરાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ વિમાન મથકે ભવ્ય સ્વાગત: મોદીએ કહ્યું રક્ષાબંધનનું ઋણ ચૂકવ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: મંગળવારે સાંજે અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત થયું હતુ તો અભિવાદન ઝીલવા નરેન્દ્ર મોદી પણ ખુલ્લી જીપમાં નારી શક્તિ વંદન કાર્યક્રમ સ્થળે ગયા હતા.

પીએમ મોદી સાથે જીપમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલ હતા. એરપોર્ટની બાજૂના ગ્રાઉન્ડમાં યોજાયેલ કાર્યક્રમમાં લાખોની હાજરીમાં ભાજપના મહીલા મોરચા દ્વારા પીએમ મોદીનું અભિવાદન કરાયુ હતુ.

આ પ્રસંગે આયોજીત સભાને સંબોધતા વડા પ્રધાને જણાવ્યું હતુ કે મહિલાઓનું પ્રતિનિધિત્વ વધશે તો દેશનો વિકાસ ઝડપી થશે. આ ભેટ તેમણે પહેલેથી જ નક્કી કરી રાખી હોવાનું જણાવતા વડાપ્રધાને કહ્યું હતુ કે નારી શક્તિ વંદન અધિનિયમ એ વિકસિત ભારતની ગેરંટી છે.

એરપોર્ટ બહાર નારીશક્તિ વંદન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહેલી મહિલાઓને સંબોધનમાં
પીએમ મોદીએ કહ્યું હતું કે નારીશક્તિ વંદન અધિનિયમ એ દેશની નારીશક્તિનું સન્માન છે અને તે વિકસિત ભારતની ગેરેન્ટી છે. ગુજરાતે જ આ કાયદા માટેની પૃષ્ઠભૂમિ રચી દરેક સ્તર પર મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવા માટે સમરસ પંયાચતની પહેલ શરૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તમે જે વિશ્વાસ સાથે મોકલ્યો હતો તેમાં વધુ એક કામ કર્યું હતુ. એક – એક કરીને અનેક યોજનાઓ બનાવી હતી. જવાબદાર પક્ષ તરીકે ભાજપે અનેક નિર્ણય લીધા છે. અમે નવી પરંપરા શરૂ કરી હતી. ગુજરાતમાં ડેરી સેક્ટરમાં ૩૫ લાખ કરતાં વધુ મહિલાઓ છે. લાખો મહિલાઓ વન વિકાસમાં યોગદાન આપી રહી છે. આજે ગુજરાતમાં અઢી લાખથી વધુ સખી મંડળો છે. મહિલાઓને જીવનમાં આગળ વધવાના અનેક અવસર મળ્યા છે. આઝાદીના આટલા વર્ષો બાદ પણ નારી શક્તિ સાથે ઇન્સાફ ન થયો. આ બિલ દેશની મારી માતા બહેનો માટે મોટો રક્ષાબંધનનો ઉપહાર છે. આ બિલ મારી બહેનોના સપના પૂરા કરવાની ગેરંટી છે. અમદાવાદ એરપોર્ટથી પીએમ મોદીનો ભવ્ય રોડ શો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા મોદીજીનું અભિવાદન કરવામાં આવ્યું હતુ. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ એકઠા થયા હતા. રોડશોમાં બંને બાજુએ મોટી સંખ્યામાં મહિલાઓ સાથે ભાજપના કાર્યકરો ઉપસ્થિત હતા. મહિલાઓએ પીએમ મોદીનું સ્ટેજ પર અંબેમાની છબી આપી અને મોટા હાર સાથે અભિવાદન કર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button