બહુચરાજીથી અંબાજી વચ્ચે દર પૂનમે નિ:શુલ્ક બસ સેવા શરૂ થશે

બહુચરાજી: દર પૂનમે ગુજરાતભરમાં માઈભક્તો બહુચરાજી ખાતે માતાજીના દર્શન માટે આવે છે. શક્તિપીઠ અંબાજી મંદિરે પણ પૂનમ ભરવા અને માતાના દર્શન કરવા જાય છે. આ શ્રદ્ધાળુઓ શાંતિથી અને અનુકૂળતાથી બંને મંદિરના દર્શન કરી શકે તે માટે બહુચરાજી ખાતે યોજાયેલી ટેમ્પલ ટ્રસ્ટની બેઠકમાં ચેરમેન અને કલેકટર દ્વારા બહુચરાજીથી અંબાજી વચ્ચે નિ:શુલ્ક બસ સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
ટિકિટ વિના અંબાજી જઈને આવી શકશે
દર પૂનમે બહુચરાજી ખાતે માતાજીના દર્શન માટે આવતા યાત્રિકો સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પણ માતાજીના દર્શન કરી શકે તે માટે બહુચરાજીથી જ અંબાજીની બસ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઐતિહાસિક નિર્ણય બાદ હવે અંબાજીની આ બસમાં યાત્રિકો એક પણ રૂપિયો આપ્યા વિના કે કોઈપણ જાતની ટિકિટ વિના અંબાજી જઈને આવી શકશે.
પહેલા એક બસ શરૂ કરવામાં આવશે
મહેસાણા જિલ્લા કલેક્ટર શૈલેષભાઈએ જણાવ્યું હતું કે, પ્રારંભિક ધોરણે પહેલા એક બસ શરૂ કરવામાં આવશે. બાદમાં જેમ જેમ યાત્રિકોનો ધસારો વધશે તેમ તેમ બીજી વધારાની બસો પણ ચાલુ કરવામાં આવશે. આ બસમાં નિ:શુલ્ક મુસાફરી કરી શકાશે.



