આપણું ગુજરાત

મુંદરાના ચકચારી સોપારી તોડકાંડના ચારફરાર પોલીસકર્મીને વોન્ટેડ જાહેર કરાયા

ભુજ: રાજ્યભરમાં ચર્ચાસ્પદ બનેલા મુંદરાના સોપારી તોડકાંડમાં આયાતકાર પેઢીના ગોડાઉન મેનેજરનું અપહરણ કરીને દુબઈથી દાણચોરી કરી ભારતમાં ઘુસાડાયેલી સોપારીનો જથ્થો જપ્ત કરી લેવાનો ડર બતાવી પોણા ચાર કરોડનો તોડ કરનારા સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરજ બજાવતા ચાર પોલીસ કર્મચારીઓ સહિત પાંચ આરોપીઓને અદાલતે વોન્ટેડ એટલે કે ભાગેડુ જાહેર કર્યા છે. ગત ૧૩મી એપ્રિલના રોજ મુંદરામાં આચરાયેલા આ પ્રકરણની પ્રાથમિક તપાસ બાદ રેન્જ આઇજી મોથલિયાએ ચારે પોલીસ કર્મીઓને ફરજમોકૂફ કરી દીધા હતા. ત્યારબાદ ૧૦મી ઓક્ટોબરના રોજ ચાર પોલીસકર્મીઓ અને એક વચેટિયા વિરુદ્ધ મુંદરા પોલીસ મથકે વિધિવત્ ફોજદારી ફરિયાદ દાખલ કરાઈ હતી. તમામ આરોપીઓ પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી ત્યારથી જ ફરાર થઈ ગયા છે. તેમની વિરુદ્ધ અગાઉ સીઆરપીસીની કલમ ૭૦ મુજબ એસીબી કોર્ટે અરેસ્ટ વોરન્ટ ઈસ્યૂ કર્યું હતું જેની બજવણી ના થતાં પોલીસે આ કોર્ટમાં રિપોર્ટ કરતાં કોર્ટે હવે તમામ પાંચે આરોપીઓ એએસઆઇ કિરીટસિંહ બળદેવસિંહ ઝાલા (સપનાનગર, ગાંધીધામ), એએસઆઇ રાજેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા (ખેતરપાળ-૩, અંજાર), એએસઆઇ રણવીરસિંહ જગદીશસિંહ ઝાલા (વોર્ડ નંબર ૭/૩, ગાંધીધામ), હેડ કોન્સ્ટેબલ ભરત આશારીયા ગઢવી (બાડા, માંડવી), પૂર્વ રેન્જ આઈજી એ.કે. જાડેજાના ભાણેજ શૈલેન્દ્રસિંહ ઊર્ફે જ્યોતિભાઈ ઊર્ફે ભાણુભા માધુભા સોઢા (સથવારા કોલોની, ગાંધીધામ)ને ભાગેડુ જાહેર કરતું જાહેરનામું બહાર પાડી તેમને કોર્ટ સમક્ષ ૩૦ દિવસમાં સરન્ડર થઈ જવા હુકમ કર્યો છે. જો તેઓ સરેન્ડર નહીં થાય તો સીઆરપીસીની કલમ ૮૩ મુજબ તેમની સ્થાવર જંગમ મિલકત જપ્તીની કાર્યવાહી પણ થઈ શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button