મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના કાર્યકાળના ચાર વર્ષ: સેવા, સુશાસન અને વિકાસની ગાથા

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના 13 સપ્ટેમ્બર, 2025ના રોજ તેમના કાર્યકાળના ચાર વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થશે. આ ચાર વર્ષને ‘સેવા-સમર્પણ, સુશાસન, ઔદ્યોગિક વિકાસ અને નીતિ નિર્ધારણ’ ના ચાર સ્તંભો પર આધારિત ગણાવવામાં આવ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘ગ્રોથ એન્જિન’ના વિઝનને આગળ ધપાવતા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિકાસને જન-જન સુધી પહોંચાડવા માટે અથાક પ્રયાસો કર્યા છે. તેમના નેતૃત્વ હેઠળ, ગુજરાત રિન્યુએબલ એનર્જી, સેમિકન્ડક્ટર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) જેવા ઉભરતા ક્ષેત્રોમાં અગ્રેસર બની રહ્યું છે.
કોર્પોરેટરથી મુખ્ય પ્રધાન સુધીની સફર
15 જુલાઈ, 1962ના રોજ અમદાવાદમાં જન્મેલા ભૂપેન્દ્ર પટેલે સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો. તેમની રાજકીય કારકિર્દી 1987માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાથી શરૂ થઈ હતી. તેમણે મેમનગર નગરપાલિકાના પ્રમુખ, એએમસી સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન અને થલતેજ વૉર્ડના કાઉન્સિલર તરીકે સેવા આપી હતી. 2015-2017 દરમિયાન અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા)ના ચેરમેન રહ્યા બાદ તેઓ 2017માં ઘાટલોડિયા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 13 સપ્ટેમ્બર, 2021ના રોજ તેમણે ગુજરાતના 17મા મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ બીજી વખત આ પદ સંભાળ્યું હતું.
મક્કમ નિર્ણયો અને ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ
મુખ્ય પ્રધાન તરીકેના આ ચાર વર્ષના કાર્યકાળમાં ભૂપેન્દ્ર પટેલે મક્કમ અને નિર્ણાયક નેતૃત્વનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અમદાવાદના ચંડોળા તળાવ સહિત દ્વારકા અને સોમનાથમાં પણ ગેરકાયદે દબાણો હટાવી હજારો ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. ભ્રષ્ટાચાર આચરતા લગભગ 50 જેટલા સરકારી અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે, જે ભ્રષ્ટાચાર પ્રત્યેની સરકારની ઝીરો ટોલરન્સ નીતિ દર્શાવે છે. આ ઉપરાંત, ભરતી અને પરીક્ષામાં થતી ગેરરીતિઓ અટકાવવા કડક કાયદો પણ અમલમાં મૂકવામાં આવ્યો છે. તાજેતરમાં, સામાન્ય જનતાના હિતમાં વીજળીના દરમાં 15 પૈસાનો ઘટાડો કરી ₹400 કરોડનો લાભ પહોંચાડવામાં આવ્યો છે. ખેડૂતો માટે પણ જમીનના વેચાણ અને ફેરબદલીની પ્રક્રિયાને સરળ બનાવી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
લોકકલ્યાણકારી યોજનાઓ અને સિદ્ધિઓ
આ ચાર વર્ષમાં રાજ્ય સરકારે અનેક લોકકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. 15 લાખથી વધુ આવાસોનું નિર્માણ અને ઘરવિહોણા ગરીબો માટે 116 આશ્રયસ્થાનોની સ્થાપના કરી છે. પીએમજેએવાય-મા હેઠળ સારવાર સહાય ₹5 લાખથી વધારીને ₹10 લાખ કરવામાં આવી, અને 2.92 કરોડથી વધુ નાગરિકોને આયુષ્માન કાર્ડ મળ્યા છે. નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’ હેઠળ વિદ્યાર્થીનીઓને કરોડોની આર્થિક સહાય આપવામાં આવી છે. છેલ્લા 4 વર્ષમાં 5 લાખથી વધુ લોકોને રોજગાર આપવામાં આવ્યો છે. આ ઉપરાંત વહીવટીતંત્રમાં સુશાસન માટે એઆઈ ટાસ્ક ફોર્સની રચના અને શિક્ષણમાં ડ્રોપઆઉટ અટકાવવા એઆઈ આધારિત અર્લી વોર્નિંગ સિસ્ટમનો અમલ કરાવ્યો છે.
ઔદ્યોગિક અને નીતિ વિષયક પ્રગતિ
ગુજરાતે આ ચાર વર્ષમાં ઔદ્યોગિક વિકાસમાં પણ નોંધપાત્ર પ્રગતિ કરી છે. ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય છે જ્યાં ચાર સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થશે, જેમાં સાણંદ અને ધોલેરામાં નિર્માણાધીન પ્લાન્ટ્સનો સમાવેશ થાય છે. છેલ્લા ચાર વર્ષમાં રાજ્યમાં 20,431 મિલિયન ડોલરનું એફડીઆઈ આવ્યું છે.વિષ્યલક્ષી ક્ષેત્રો માટે ગુજરાત આત્મનિર્ભર પોલિસી (2022), સેમિકન્ડક્ટર પોલિસી (2022-27), ગ્રીન હાઈડ્રોજન પોલિસી (2024) સહિત કુલ 16 નવી સેક્ટર-સ્પેસિફિક નીતિઓ ઘડવામાં આવી છે. ગુજરાત કોમનવેલ્થ 2029 અને ઓલિમ્પિક 2036ના આયોજન માટે પસંદ થયું છે, જે રાજ્યની વૈશ્વિક ક્ષમતા દર્શાવે છે.