ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠક એપ્રિલમાં ખાલી પડશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો એકસાથે ખાલી પડી રહી છે. એપ્રિલ ૨૦૨૪માં ભાજપના બે કેન્દ્રીય પ્રધાનો અને કૉંગ્રેસના બે સભ્યો નિવૃત્ત થઇ રહ્યાં છે. આ બેઠકોની ચૂંટણી પછી એપ્રિલ કે મે મહિનામાં લોકસભાની ચૂંટણી આવી રહી છે. વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ જોતાં ચારેય બેઠકો ભાજપને ફાળે જાય તેમ છે.
રાજકીયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યસભાની ખાલી પડતી ચાર બેઠકોની ચૂંટણી વિધાનસભાનું બજેટ સત્ર ચાલું હોય ત્યારે પણ થઇ શકે છે. ખાલી પડતી બેઠકોમાં ભાજપમાંથી કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા અને કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાનો સમાવેશ થાય છે. બીજી તરફ કૉંગ્રેસમાંથી અમી યાજ્ઞિક અને નારણભાઇ રાઠવા નિવૃત્ત થઇ રહ્યાં છે. રૂપાલાની આ ત્રીજી અને માંડવિયાની બીજી ટર્મ છે તેથી બન્ને સભ્યોને રિપીટ કરવામાં આવે તેવી સંભાવના ઓછી જણાઇ રહી છે. કૉંગ્રેસ જો આ ચૂંટણીમાં ભાગ લેશે તો તેના ઉમેદવાર જીતી શકે તેવી શક્યતા એટલા માટે નથી કે વિધાનસભામાં કૉંગ્રેસનું સંખ્યાબળ માત્ર ૧૭ સભ્યોનું છે. ભાજપ પાસે ૧૫૬ ધારાસભ્યો છે જેના બળે પાર્ટી ચાર ઉમેદવારો ઊભા રાખી જીતી શકે તેમ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાની ચૂંટણી પછી કૉંગ્રેસના એકમાત્ર શક્તિસિંહ ગોહિલ રાજ્યસભાના સભ્ય રહેશે. તેમની મુદ્દત ૨૦૨૬માં પૂર્ણ થાય છે. ગુજરાતમાં રાજ્યસભાની કુલ ૧૧ બેઠકો પૈકી અત્યારે ભાજપ પાસે આઠ અને કૉંગ્રેસ
પાસે ત્રણ બેઠકો છે. એપ્રિલમાં મુદ્દત પૂર્ણ થતા ચાર બેઠકોની ચૂંટણીમાં કૉંગ્રેસે બે બેઠકો ગુમાવે તેવી સંભાવના જોવામાં આવી રહી છે.