કચ્છમાં વીજશોકે એક કિશોરનો જીવ લીધો તો ત્રણના અકાળે મોત…
ભુજઃ રણપ્રદેશ કચ્છમાં વીતેલા ૨૪ કલાકમાં બનેલી વિવિધ અપમૃત્યુની ઘટનાઓમાં એક કિશોર સહીત ત્રણ લોકોએ તેમના પ્રાણ ગુમાવ્યા હતા.
બંદરીય મુંદરા તાલુકાના કપાયામાં ૧૭ વર્ષીય કિશોર નીરજ માવજી સોધમને ઘરે પાણીની મોટર ચાલુ કરવા જતાં લાગેલો જીવલેણ વીજશોક ભરખી ગયો હતો.
જ્યારે સીમાવર્તી રાપર તાલુકાના સાયમાં જયશ્રી ભરત કોળી નામની ૩૦ વર્ષીય પરિણીતાને પાણી ભરવા સમયે આવેલી આંચકીના કારણે પાણીના ટાંકામાં ડૂબી જતાં મૃત્યુ પામી હતી તેમજ નખત્રાણાના મુરૂમાં એક ૪૮ વર્ષના આધેડ વીરજી થાવર મહેશ્વરીએ બીમારીથી કંટાળી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
આ પણ વાંચો : DGP વિકાસ સહાય એક્શન મોડમાં, વહીવટદારોની સંપત્તિ તપાસનો આપ્યો આદેશ
પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મુંદરાના નાના કપાયામાં મહેશ્વરીવાસમાં રહેનારો નીરજ માવજી સોધમ સવારના આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે પાણીની ઈલેક્ટ્રિક મોટર ચાલુ કરવા જતાં તેને વીજળીનો જોરદાર કરંટ લાગતાં ગંભીર રીતે દાઝી જતાં પરિજનો તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ સારવાર નશીબ થાય તે પહેલાં જ તેણે અંતિમ શ્વાસ લેતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
બીજી તરફ ગત ૬થી નવેમ્બરના રોજ રાપરના સાયમાં હતભાગી પરિણીતાને પોતાના ઘરે આંચકી આવતાં પાણીના ટાંકામાં ખાબકતાં ડૂબી જવાથી તેમનું મૃત્યુ થયું હતું. આ બનાવમાં પણ પોલીસે અકસ્માત નોંધના આધારે વધુ તપાસ આરંભી છે.
જ્યારે નખત્રાણા તાલુકાના મુરૂ ગામમાં લાંબા સમયથી બીમાર રહેલા વીરજી થાવર મહેશ્વરીએ ગઈકાલે બપોરે પોતાના ઘરના બાથરૂમમાં લૂંગી વડે ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી દેતાં નખત્રાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.