ગુજરાતમાં ૨૪ કલાકમાં વીજ કરંટ લાગવાથી ચારનાં મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં વીજ કરંટ લાગવાથી એક આધેડ સહિત કુલ ચાર લોકોના મોત થયા હતાં. આણંદમાં સામરખા પાસે વીજ કરંટ લાગતા યુવકનું મોત થયું હતું. જ્યારે રાજકોટના ઉપલેટા પંથકમાં દિવાળીના દિવસે એક સાથે બે વ્યક્તિઓના કરંટ લાગવાથી મોત નિપજ્યા હતાં. તેમજ મોરબીમાં ગાડીની સફાઈ કરતી વખતે વીજશોકથી યુવાનનું મોત નિપજ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં વીજ કરંટ લાગવાની અલગ-અલગ ત્રણ ઘટનામાં કુલ ચારના મોત થયા હતા. જેમાં આણંદ જિલ્લાના સામરખા હાઇવે પર આવેલી હોટેલના કર્મચારીને વીજ કરંટ લાગ્યો હતો. જેના પગલે યુવકને તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડૉક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. જ્યારે રાજકોટના ઉપલેટા પંથકમાં દિવાળીના દિવસે એક સાથે બે વ્યક્તિઓના કરંટ લાગવાથી મોત થયા હતા. જેમાં વડાળા ગામે વાડીએ ઓપનરમાં આવી જતા એક પરપ્રાંતિય મહિલાનું મોત થયું હતું. જ્યારે કથરોટા ગામે વાડીએ શોક લાગવાથી નાથાભાઈ (ઉ.વ.૫૫) આધેડનું મોત થયું હતું. ત્રીજી ઘટનામાં મૂળ ટંકારા તાલુકાના નસીતપર ગામના રહેવાસી નીલેશ સવસાણી (ઉ.વ.૩૫) નામના યુવાનનું પીપળી ગામની સીમમાં એક ક્ધસ્ટ્રકશન ઓફિસ બહાર ગાડીની સફાઈ કરતો હતો. ત્યારે ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રકાશના પર્વના દિવસે જ વીજ કરંટ લાગતા પરિવારને પોતાના સ્વજનો ગુમાવવા પડતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.