વાઘોડિયા બેઠક પર ફરી ત્રિ-પાંખિયો જંગ, પૂર્વ MLA મધુ શ્રીવાસ્તવે પેટા ચૂંટણી લડવાની કરી જાહેરાત
વડોદરા: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની 5 સીટો પર પેટાચૂંટણી પણ યોજાવાની છે, જેમાં સૌથી રસપ્રદ મુકાબલો વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પર થશે તેવું જણાઈ રહ્યું છે. વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે પૂર્વ અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને મેદાને ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે છેલ્લા 40 વર્ષથી પાર્ટીમાં કાર્યરત છે તેવા કનુભાઈ ગોહિલને કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. હવે આ બેઠક પર પૂર્વ ધારાસભ્ય અને દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની સોશિયલ મીડિયા પર જાહેરાત કરતા રાજકારણ ગરમાયું છે.
મધુ શ્રીવાસ્તવે અપક્ષ તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરતા જ આવતીકાલે નામાંકન પણ ભરશે. હવે એક બાબત નિશ્ચિત થઈ ગઈ છે કે આ બેઠક પર ત્રિ-પાંખીયો જંગ જોવા મળશે. આ સ્થિતિમાં ભાજપ કોંગ્રેસ ચૂંટણી લડશે તો ક્ષત્રિય સામે ક્ષત્રિય ઉમેદવાર હોવાથી અન્ય જ્ઞાતિના લોકો આ બેઠક પર નિર્ણાયક સાબિત થશે. સાથે અપક્ષ તરીકે લડનાર મધુ શ્રીવાસ્તવને અન્ય સમાજ અને ક્ષત્રિય સમાજ મતદાન કરે તો જીત પણ મળી શકે છે.
દબંગ નેતા અને પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ છેલ્લા 6 ટર્મ સુધી સતત વાઘોડિયા બેઠક પર ચૂંટતા આવ્યા અને વર્ષ 2022માં ભાજપ પક્ષમાંથી ટિકિટ ન મળતા અપક્ષ તરીકે ચૂંટણી લડી હારી ગયા હતા. આ બેઠક પર ભાજપના હાલના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ લડી ચૂંટાયા હતા. મધુ શ્રીવાસ્તવને હરાવનારા ધર્મેન્દ્રસિંહ વાઘેલાને હવે ભાજપે ટિકિટ આપી મેદાને ઉતર્યા છે ત્યારે ફરી શું આ બેઠક પર ભાજપનો ભગવો લહેરાય છે કે અન્ય કોઈ ત્રીજો ઉમેદવાર ફાવી જાય છે તેના પર સૌની નજર છે.
ઉલ્લેખનિય છે કે ગત 2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તરફથી અશ્વિન પટેલ મેદાને હતા અને તેઓને 63,899 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસ તરફથી સત્યજીતસિંહ ગાયકવાડને મેદાને ઉતારવામાં આવ્યા હતા તેઓને 18,870 મત મળ્યા હતા. અપક્ષ તરફથી ભાજપના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ મેદાને ઉતરતા તેઓને માત્ર 14,645 મત મળ્યા હતા. જો કે, અપક્ષ તરીકે ધર્મેન્દ્રસિંહ વાઘેલા 77,905 મતોની સરસાઈથી જીત મેળવીને જાયન્ટ કિલર તરીકે જાણીતા બન્યા હતા.