ગુજરાતના પૂર્વ પ્રધાન તારાચંદ છેડાના પુત્રનું હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: રાજ્યમાં હાર્ટ એટેકના સતત વધી રહેલા કેસ વચ્ચે એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. રાજ્યના પૂર્વ પ્રધાન તારાચંદ છેડાના પુત્ર જયેશ છેડાનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે.
ગઇ કાલે બપોરે છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને હાર્ટ અટેક આવતા તેમનું નિધન થયું હતું. તેઓ કચ્છના જૈન સમાજના લોકપ્રિય સામાજિક અગ્રણી હતા. લોકોના સેવામાં તેઓ હમેશા તત્પર રહેતા, સમાજમાં તેમની સારી લોકચાહના હોવાથી સમગ્ર પરિવાર સહિત તેમના પંથકમાં માહોલ શોકમગ્ન છે.
રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ એટેકની ઘટનાઓ ચિંતા વધારી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવેલાં મુંબઈના એક 37 વર્ષિય યુવકનું પણ હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું છે. મુંબઈથી 37 વર્ષિય કેવલ મનસુખલાલ હરીયા એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા માટે આવ્યા હતા. કેવલને છાતીમાં દુ:ખાવો થતા તેના મિત્રો એકતાનગર ખાનગી દવાખાને સારવાર માટે લઈ ગયા હતા. જો કે ડોક્ટરે પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર માટે ગરૂડેશ્વર સરકારી હોસ્પીટલ ખાતે રીફર કરવાની સલાહ આપી હતી. પરંતુ ત્યાં પહોંચતાં જ ફરજ પરના ડોક્ટરે કેવલને મૃત જાહેર કર્યો હતો.