ખંભાતના કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: લોકસભા ચૂંટણીને આડે હવે માત્ર ગણતરીના મહિનાઓ બાકી રહ્યાં છે ત્યારે તમામ રાજકીય પક્ષો સક્રિય બન્યાં છે અને ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. આ વખતે ભાજપે ગુજરાતની તમામ સીટ પાંચ લાખ કરતાં વધુ મતોની લીડ સાથે જીતવાનો લક્ષ્ય મૂક્યો છે. આ લક્ષ્ય હાંસલ કરવા માટે ભાજપે વિરોધ પક્ષના સામાન્ય કાર્યકર્તાથી લઈ ઉચ્ચ કક્ષાના હોદ્દેદારો માટે કમલમના દ્વાર ખુલ્લાં મૂકી દઈ ભરતી મેળો શરૂ કર્યો છે.
આણંદ જિલ્લા ખાતે કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કેસરિયો ખેસ પહેરાવી ભાજપમાં સ્વાગત કર્યું હતું. ચિરાગ પટેલે થોડા દિવસો પહેલા રાજીનામું આપ્યું હતું.
ભાજપમાં જોડાયા બાદ ચિરાગ પટેલે કૉંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, કૉંગ્રેસમાં કાંઈ લેવાનું નથી. કૉંગ્રેસ દિશાવિહીન બની ગઈ છે. રામમંદિરનો વિરોધ કરે ત્યાં હું ના હોઉં. બીજી બાજુ, સી.આર. પાટીલે ચિરાગ પટેલના વખાણ કરતાં કહ્યું હતું કે, ધારાસભ્ય માટે રાજીનામું આપવા કલેજુ જોઈએ. ચિરાગ પટેલને અભિનંદન. વિકાસ માટેની જ માગ કરી, કોઈ શરત નહીં. વિકાસની વાત કરતાં-કરતાં ગળગળા થઈ ગયા. સીઆર પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, આજે સમગ્ર દેશ રામમય બન્યો છે અને ચિરાગભાઈએ આ ઘરવાપસીનાં કાર્યક્રમને રામમંદિર સાથે જોડ્યો તેના માટે ખૂબ ખૂબ અભિનંદન. ગુજરાતમાં વિકાસ થયો છે અને આ વિકાસમાં ખંભાત પાછળ નહિ રહી જાય તેની આપ સૌને હું ખાતરી આપું છું. દેશનો વિકાસ વિશ્વની ટોચ પર છે. આપણા દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરતા સારું બીજા દેશમાં હોઈ શકે, પરંતુ સંસ્કૃતિની સાથે સંસ્કારોનું સિંચન વિશ્ર્વમાં ટોચ પર છે.